ઘરના જ ભેદી : કીમ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરામાં રેલવે પેટ્રોલીંગ પાર્ટીના ત્રણની ધરપકડ
એવોર્ડ, પ્રસિધ્ધિ,નાઇટ રજા બંધ ન થાય તે માટે હજારોના લોકોના જીવ જોખમમાં મુકયા
- નવ વર્ષથી નોકરી કરતો સુભાષ પોદ્દાર સૂત્રધારઃ રાતે બેથી ત્રણ દરમિયાન પેડલોક, ફિશપ્લેટ કાઢયા બાદ 5.15 વાગ્યે ટ્રેક પર ડેમેજનો મેસેજ પાસઓન કર્યા
- સુભાષ પોદ્દારે પેડલોક, ફિશપ્લેટ કાઢી ત્યારે વિડીયો બનાવેલો, સૂર્યકુમાર મિસ્ત્રીએ ત્રણ ફોટો લીધા હતા બાદમાં ડિલીટ કર્યા હતા : કર્મચારીઓ
શંકાના દાયરામાં આવતા સુરત ગ્રામ્ય પોલીસે મોબાઇલ ડેટા રીકવર કરતા કાવતરાખોરોનો પર્દાફાશ
થયો
સુરત
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીકના રેલવે ટ્રેક ઉપર ૭૧ પેડલોક અને બે ફીશપ્લેટ કાઢીને ટ્રેન ઉથલાવવાના કાવતરામાં સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને ઘરના ભેદી એવા રેલવેના જ ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી રેલવે ટ્રેક પર વોચ રાખતી પેટ્રોલીંગ પાર્ટીના છે. મુખ્ય સૂત્રધાર એવા સુભાષ પોદ્દારે આખું કાવતરું ઘડયું હોવાનું બહાર આવ્યું છે. સતર્કતા બદલ એવોર્ડ, પ્રસિધ્ધિ અને રાત્રીના સમયે મોન્સુન ડયૂટી બંધ થઇ જાય તો બીજા દિવસની રજા મળતી બંધ થઇ ન જાય તે માટે હજારો લોકોના જીવ જોખમમાં મુકી દીધા હતા. રેલવે ટ્રેક સાથે ચેડા કરવામાં કર્મચારી જ સંડોવાયા હોય તેવો આ સંભવતઃ પ્રથમ કેસ છે.
સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયશરે મીડિયા સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે, કીમ નજીક રેલવે ટ્રેક પરથી પેડલોક અને ફિશપ્લેટ કાઢી ટ્રેન ઉથલાવવાના કાવતરામાં રેલવેની પેટ્રોલીંગ પાર્ટી તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ સુભાષ કિષદેવ પોદ્દાર (ઉ.વ-૩૯, હાલ રહે. ફ્લેટ નં-૫૦૧, શિવધારા રેસીડન્સી,કીમ. મૂળ બિહાર), મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી (ઉ.વ-૨૮, હાલ રહે. રેલવે કોલોની કીમ, ઓલપાડ, સુરત.મૂળ બિહાર) અને શુભમ જયપ્રકાશ જયસ્વાલ (ઉ.વ-૨૬, હાલ મુન્ના રેજન્સી સોસાયટી, વિનોદભાઇના બિલ્ડીંગમાં બીજા માળે, કીમ, ઓલપાડ, સુરત. મૂળ બિહાર)ની ધરપકડ કરી છે.
તા.૨૧ સપ્ટેમ્બરે વહેલી સવારે રેલવે ટ્રેકનું મેઇન્ટેનન્સ નિરીક્ષણ કરી રહેલા વડોદરા ડિવીઝનના જુનિયર એન્જિનિયર સંકલ્પ સંતોષ કંસારા પર નાઇટ પેટ્રોલીંગ કરતા સુભાષ પોદ્દારે મેસેજ કર્યો હતો કે, ઓલપાડના કીમ નજીક રેલવે ટ્રેક પર પેડલોક અને ફિશ પ્લેટ કાઢીને ટ્રેક ઉપર મુકી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર થયાનું જણાય છે. આ મેસેજ મળતા તુરંત સુરત ગ્રામ્ય પોલીસ તેમજ રેલવે પોલીસને જાણ કરાઇ હતી. અને બાદમાં એટીએસ અને એનઆઇએની ટીમે ડોગ સ્ક્વોડ સાથે તપાસ શરૃ કરી હતી.
તપાસ દરમિયાન ૭૧ પેડલોક અને બે ફિશપ્લેટ કાઢવામાં નિષ્ણાંત વ્યક્તિ જ હોવાનું પ્રાથમિક તબક્કે જ જણાયું હતું. અને આ બધું કાઢવા માટે પુરતો સમય જોઇએ. જેથી રેલવેના કર્મચારીઓ જ શંકાના દાયરામાં આવી ગયા હતા. પોલીસ તપાસમાં મનીષકુમાર મિસ્ત્રીનો મોબાઇલ કબજે લેવાયો હતો. અને તેમાંથી ડિલીટ કરાયેલો ડેટા રીકવર કરાયો ત્યારે રાતે બે થી ત્રણ વાગ્યા દરમિયાન ફિશ પ્લેટ કાઢતી વેળાના ફોટો મળ્યા હતા. જે ફોટો પાડીને તેણે ડિલીટ કરી દીધા હતા. જેના પરથી ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. રાતે બેથી ત્રણ વાગ્યા દરમિયાન પેડલોક, ફિશપ્લેટ કાઢવામાં આવ્યા બાદ સવારે ૫-૧૫ કલાકે મેસેજ કરાયો હતો. ત્રણેય રેલવે કર્મચારીઓની કડકાઇથી પુછપરછ બાદ આખું કારસ્તાન જાતે જ કર્યું હોવાની કબૂલાત કરી લીધી હતી.
રેલવે તરફથી એવોર્ડ મળે, પ્રસિધ્ધિ મળે તેમજ નાઇટ ડયૂટી ચાલુ રહે અને બીજા દિવસની રજા મળતી રહે તે માટે આ આખું કાવતરું રચ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોન્સુના નાઇટ ડયૂટી ટુંક સમયમાં બંધ થશે. નાઇટ ડયૂટી બાદ બીજા દિવસે રજા મળે છે. નાઇટ ડયૂટી લાંબો સમય ચાલુ રહે ચો બીજા દિવસે રજા મળે પરિવાર સાથે ફરી શકાય તેવો આશય હતો. આ કાવતરામાં સુભાષ પોદ્દાર મુખ્ય સૂત્રધાર છે. તે રેલવેમાં નવ વર્ષથી નોકરી કરે છે. અને આખી યોજના તેણે બનાવી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
એવોર્ડ, પ્રસિદ્ધિ અને રજા માટે લાખો લોકોના જીવને જોખમમાં મુકનારા આ ત્રણેય આરોપીઓ સામે જુના ગુનાઇત રેકોર્ડ નથી. જોકે, પોલીસે તેમની વધુ ઉલટતપાસ સાથે અન્ય દિશામાં પણ તપાસ જારી રાખી છે.
સુભાષ પોદ્દારનો એક વિડીયો અને મનિષ મિસ્ત્રીના ત્રણ ફોટાએ આખો ભેદ ઉકેલી કાઢયો
રેલવે
પેટ્રોલીગ પાર્ટીના ત્રણ કર્મચારીઓની પોલીસને ભૂમિકા શંકાસ્પદ લાગતા મોબાઇલ ફોનની
ચકાસણી કરવામાં આવતા કાવતરાખોરોનો પદાર્ફાશ થયો હતો. આરોપી સુભાષ પોદારે સવારે
૫-૧૫ વાગ્યે ફિશ પ્લેટ અંગે મેસેજ કર્યો હતો. જયારે તેના મોબાઇલ ફોનમાંથી ડિલીટ
કરાયેલા ડેટા રીકવર કરાતા સવારે ૪.૫૭.૫૬ મિનિટે ઉતારેલો ફિશ પ્લેટનું વીડીયો
રેકોડીંગ મળી આવ્યું હતું. મનિષ
મિસ્ત્રીના ફોનના ડેટા રીકવર કરાતા તેમાં મધરાતે ૨-૫૬ અને ૨-૫૭ તેમજ ૩-૧૪ કલાકે એમ
ત્રણ ફોટો પેડલોકના અને ફિશ પ્લેટના લીધા હોવાનું મળી આવ્યું હતું. જેથી ત્રણેય
આરોપીઓએ રાતે કારસ્તાન કર્યા બાદ સવારે એન્જિનિયરને જાણ કરી હતી.
રેલવે અધિનિયમની કલમ 150 (1) (એ) અને 150 (2) (બી) માં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઇ
રેલવેના
એન્જિનિયરે ત્રણેય આરોપી કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે કીમ
પોલીસ સ્ટેશનમાં રેલવે અધિનિયમ-૧૯૮૯ ની કલમ ૧૫૦ (૧) (એ) અને ૧૫૦ (૨) (બી) અને
ડેમેઝ ટુ પબ્લિક પ્રોપટી એકટ-૧૯૮૪ ની કલમ-૩ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ
કલમમાં ૧૫૦ (૧) (એ) અને ૧૫૦ (૨) (બી) હેઠળ મૃત્યુદંડની સજાની જોગવાઇ છે.