પરફોર્મિંગ આર્ટસના પૂર્વ હેડ પ્રો.સકસેનાને ઝાકિર હુસૈન ગુરુ જેવો આદર આપતા હતા
વડોદરાઃ વિશ્વ વિખ્યાત તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના પગલે કરોડો સંગીત ચાહકો શોકમાં ગરકાવ છે.આજે એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં ઉસ્તા ઝાકિર હુસૈનને અનોખી રીતે તાલાંજલિ આપવામાં આવી હતી.
ફેકલ્ટીના ડીન અને તબલા વિભાગના સિનિયર પ્રોફેસર ગૌરાંગ ભાવસારે કહ્યું હતું કે, ૨૦૧૫માં ઝાકિર હુસૈન વડોદરામાં એક કાર્યક્રમ માટે આવ્યા હતા.તે વખતે તેમણે પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.બહુ ઓછાને ખબર હશે કે, ફેકલ્ટીમાં તબલા વિભાગની સ્થાપનામાં મહત્વનો ફાળો આપનારા ફેકલ્ટીના ઈન્સ્ટ્રુમેન્ટ વિભાગના પૂર્વ હેડ અને દિગ્ગજ તબલા વાદક પ્રો.સુધીર કુમાર સક્સેનાને ઝાકિર હુસૈન ગુરુ જેવો આદર આપતા હતા.પ્રો.સક્સેના ઝાકિર હુસૈનના પિતા ઉસ્તાદ અલ્લારખ્ખા ખાનના સમકક્ષ હતા અને તબલાના અજરાડા ઘરાનાના કલાકાર હતા.પ્રો.સકસેનાએ પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં ૧૯૫૦ થી ૧૯૮૩ સુધી અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી.૨૦૧૫માં ફેકલ્ટીની મુલાકાત વખતે પણ તેમણે પ્રો.સક્સેનાને યાદ કર્યા હતા.વિદ્યાર્થીઓને તે વખતે તેમણે સતત રિયાઝ કરતા રહેવાની સલાહ આપી હતી.
પ્રો.ભાવસારે કહ્યું હતું કે, ઉસ્તાદ ઝાકિર હુસૈનના કારણે જ પશ્ચિમ સંગીતમાં તબલાનો પગ પેસારો થયો હતો.આજે નોંધપાત્ર સંખ્યામાં વિદેશીઓ ભારતમાં તબલા શીખવા માટે આવે છે અને તેની પાછળનું કારણ એક માત્ર ઝાકિર હુસૈન છે.ઝાકિર હુસૈનને અમે નાદના ઉપાસક અને તાલના યોગી તરીકે ઓળખીએ છે.
દરમિયાન આજના તાલાંજલિ કાર્યક્રમમાં વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓએ ઝાકિર હુસૈનની કાયદા, ટુકડા, ચક્રધાર અને તિહાઈ વગાડીને તેમને શ્રધ્ધાંજલિ આપી હતી.સાથે સાથે ઉસ્તાદ ઝાકિર હુસૈનના તબલા વાદનના કેટલાક વિડિયો પણ રજૂ કરવામાં આવ્યા હતા.