હીટ એન્ડ રન : બાઈક ચાલકને અડફેટે લઈ અજાણ્યો કાર ચાલક ભાગી ગયો
- પાલિતાણાના હડમતિયા ગામ પાસે બન્યો બનાવ
- સાવરકુંડલાના વંડા ગામનો યુવક બાઈક લઈને વ્યવહારિક કામે સોનપરી આવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામે રહેતા ભલાભાઈ નગાભાઈ સાટિયાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૯ને રવિવારે સાંજે ૬ઃ૩૦ કલાકના અરસામાં તેમના ભત્રીજા કાળુભાઈનો દિકરો જાલાભાઈ (ઉ.વ.૨૬) વંડા ગામેથી પાલિતાણા તાલુકાના સોનપરી ગામે તેમના ફોઈના ઘરે વ્યવહારિક કામ સબબ જઈ રહ્યો હતો ત્યારે પાલિતાણા ગારિયાધાર રોડ પર આવેલ હડમતીયા ગામે અજાણ્યા કાર ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવી બાઈક સાથે અથડાવી હતી. જેના કારણે બાઈકસવાર જાલાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બીજી તરફ, બાઈક સાથે અકસ્માત સર્જીને અજાણ્યો કારચાલક નાસી છૂટયો હતો. ગંભીર ઈજા પામેલાં બાઈકચાલક યુવકનેસારવાર અર્થે પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે અજાણ્યા કારચાલક વિરૂદ્ધ અકસ્માત સર્જી યુવકનું મોત નિપજાવી નાસી ગયાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.