જામનગર-રાજકોટ રોડ પર હિટ એન્ડ રન : કાર ચાલકે બે ભાઈઓને લીધા હડફેટે, બાઈક ચાલકનું મૃત્યુ, એક ઘાયલ
Jamnagar Hit and Run : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનના બનાવમાં દેડકદડ ગામના એક યુવાને કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પોતાનો જીવ ખોયો છે જ્યારે તેનો પિતરાઈભાઈ ઘાયલ થયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા પરેશભાઈ મગનભાઈ ઝીંઝુવાડીયાનો 19 વર્ષીય પુત્ર પિયુષ કે જે પોતાના પિતરાઈ ભાઈ અક્ષય સાથે પોતાના જી.જે 10 ઇ.એ. 1441 નંબરના બાઈકમાં બેસીને દેડકદડથી ધ્રોળ ગામે કપડાં લેવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન ધ્રોળ નજીક સણોસરા ગામના પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે 10 ટી.એક્સ. 7709 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં પિયુષ ઝીંઝુવાડિયાનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. જયારે તેનો પિતરાઈ ભાઈ અક્ષય ઘાયલ થયો હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે. મૃતકના પિતા પરેશભાઈ મગનભાઈ ઝીંઝુવાડીયાએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રોલ નજીક કાર અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં એક દંપત્તિ ઘાયલ
જામનગર રાજકોટ રોડ નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. લતીપુર ગામના વતની ઇબ્રાહીમભાઇ ઝીણાભાઈ રાઠોડ (55) કે જેઓ પોતાના પત્નીને રિક્ષામાં બેસાડીને ધ્રોલથી લાલપુર તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં આર.જે.39 યુ.એ. 0775 નંબરની કારના ચાલકએ રીક્ષાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપત્તિ ઘાયલ થયું છે, અને સારવાર લઈ રહ્યું છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.