બોડેલીનાં પાણેજ પાસે હિટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારતાં જમાઇ અને નાની સાસુનું ઘટનાસ્થળે મોત
Hit And Run Near Bodeli : રાજ્યમાં વધતી જતી હિટ એન્ડ રન ઘટનાઓના લીધે અવાર-નવાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે છોટા ઉદેપુરના બોડેલી નજીક વધુ હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં બેફામ ગતિએ આવી રહેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતાં નાની સાસુ અને જમાઇનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે નાના સસરાને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. અને અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલીના પાણેજ પાસે એક કાર ચાલકે બાઇક પર સવાર જમાઇ પોતાના નાના સાસુ અને નાના સસરાને લઇને જઇ રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતાં બાઇક સવાર ત્રણેય લોકો ફંગોળાઇને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં જમાઇ સાસુ નાયકા અને નાની સાસુ સવિતાબેન નાયકાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે નાના સસરા કલજીભાઇ નાયકાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની ટક્કર એટલી ભયંકર હતી કે ચીસો સાંભળીને આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કલજીભાઇ નાયકાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કારને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.