આલમપુર ગામ પાસે હિટ એન્ડ રન રસ્તો ઓળંગી રહેલા યુવાનનું મોત
- ચિલોડા ગાંધીનગર હાઇવે માર્ગ ઉપર આવેલા
- અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે ચિલોડા પોલીસ દ્વારા તપાસ શરૂ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હાઇવે ઉપર ગઈકાલે સાંજના સમયે રસ્તો ઓળંગી રહેલા યુવાનને અડફેટે લઈને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવાનનું સ્થળ ઉપર જ મોત થયું હતું. ઘટના સંદર્ભે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા ગાંધીનગર હાઇવે માર્ગ ઉપર હિટ એન્ડ રનની વધુ એક ઘટના બનવા પામી છે. જેમાં રસ્તો ઓળંગી રહેલા યુવાનનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાનો વતની રાજુ કિશન નાયક આલમપુર ખાતે આવેલી ઈકો ગ્રીન કંપનીમાં કામ કરતો હતો. ગઈકાલે સાંજના સમયે તે કામ અર્થે રોડ ક્રોસ કરીને ગયો હતો અને ત્યારબાદ તેના રૂમ ઉપર પરત ફરી રહ્યો હતો તે સમયે ચિલોડાથી ગાંધીનગર જવાના માર્ગ ઉપર પહોંચતા જ પૂર ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લીધો હતો અને રાજુ ફંગોળાઈને રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટના બાદ વાહન ચાલક તેનું વાહન લઇને નાસી છૂટયો હતો. જોકે અકસ્માત થયો હોવાથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. કંપનીમાં જ કામ કરતો તેનો ભત્રીજો દેવીલાલ પણ દોડીને ત્યાં આવી ગયો હતો અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા તે આવી પહોંચી હતી પરંતુ શરીરે ગંભીર ઇજાઓને કારણે રાજુનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઘટના અંગે તેણે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.