રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં દંપતિનું મોત
Hit And Run in Jasdan: રાજ્ય સતત વધી રહેલી અકસ્માત અને હિટ એન્ડ ઘટનાઓ વચ્ચે રાજકોટના જસદણથી વધુ એક હિટ એન્ડ રનની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં જસદણમાં મોડી રાત્રે એક કાર ચાલકે બાઇક પર સવાર દંપતિને ટક્કર મારતાં બંનેના મોત નીપજ્યા છે. આ ઘટનાના પરિવારમાં શોકનો માહોલ છે અને અરેરાટી વ્યાપી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે મોડી રાત્રે જસદણના બાયપાસ રોડ પર બાઇક પર જઇ રહેલા જુગાભાઈ પોપટભાઈ શાપરા (ઉંમર 70) વર્ષ તથા સામુબેન જુગાભાઈ શાપરા (ઉંમર 60 વર્ષ) ને અકસ્માત નડ્યો હતો. બાઇક લઇને રોડ ક્રોસ કરતી વખતે કોઇ અજાણ્યા કાર ચાલકે દંપતિને અડફેટે લેતાં જુગાભાઈ શાપરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ સામુબેન શાપરાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ વૃદ્ધ દંપતિ જસદણના લાખવડના વતની છે અને ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા. સ્થાનિકો જણાવ્યું હતું કે કાર ચાલ પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. અકસ્માત થતાં લોકોનું ટોળા એકત્ર થયુ હતું અને ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ હાથ ધરી છે. કાર ચાલકને પકડી પાડવા માટે પોલીસે સી.સી.ટી.વી. તપાસની તજવીજ હાથ ધરી છે.