જામનગરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ : મેડિકલ સ્ટોરમાં દવા લેવા રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહને કચડ્યો
Jamnagar Hit and Run : જામનગર શહેરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ગઈકાલે રાતે હિટ એન્ડ રનની એક ઘટના બની છે, અને એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. દવા લેવા માટે રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે કચડી નાખ્યો છે. જે વાહન ચાલકને પોલીસ શોધી રહી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાખાબાવળ વિસ્તારમાં રહેતો આશુતોષ કુમાર વિજયકુમાર સિંહા નામનો 45 વર્ષનો પરપ્રાંતિય યુવાન કે જે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક દવાની દુકાને દવા લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો, જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેને હડફેટેમાં લઈ કચડી નાખ્યો હતો, અને ગંભીર ઇજા થવાથી તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતુ.
આ બનાવ અંગે મૃતકના ભાભી મનીષાસિંહા વિમલકુમાર સિંહાને પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે યુવાનને કચડી નાખી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી જુદા જુદા કેમેરાઓના માધ્યમથી કારચાલકની શોધ ખોળ હાથ ધરી છે.