Get The App

રક્ષિત અકસ્માત કેસ બાદ કુંભકર્ણ નિદ્રામાંથી જાગી વડોદરા મહાનગરપાલિકા-પોલીસ, રસ્તા પરના દબાણો હટાવ્યા

Updated: Mar 17th, 2025


Google News
Google News
રક્ષિત અકસ્માત કેસ બાદ કુંભકર્ણ નિદ્રામાંથી જાગી વડોદરા મહાનગરપાલિકા-પોલીસ, રસ્તા પરના દબાણો હટાવ્યા 1 - image


Vadodara : વડોદરા શહેરમાં રક્ષિત ચૌરસિયા નામના યુવકે આઠ લોકોને ઉડાવ્યા બાદ સ્થાનિક તંત્ર એકશનમાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા અને પોલીસે શહેરના એરપોર્ટ રોડ, કારેલીબાગ વિસ્તારમાં સંગમ ચાર રસ્તાથી આમ્રપાલી સુધીના રોડ સાઇડના બંને તરફના દબાણો દુર કરવાની કાર્યવાહી કરી. હથિયારધારી પોલીસના સુસ્ત બંદોબસ્ત સાથે દબાણો હટાવવામાં આવ્યા હતા. તો ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનોને મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશન અને પોલીસે કરેલી કાર્યવાહીમાં છ ટ્રક ભરીને ગેરકાયદે દબાણનો સામાન જપ્ત કર્યો હતો. પરંતુ સવાર કરતા સાંજે આ વિસ્તારમાં શાક માર્કેટ ભરાતું હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકરાળ બને છે, તેનું સમાધાન થાય તેવી લોકોની માગ છે.

સ્થાનિકોએ કરી હતી ઉગ્ર રજૂઆત

વડોદરાના આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હોલીકા દહનની રાત્રે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મૃત્યું થયું હતું, અને અન્ય 7 ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ ગતરોજ સ્થાનિકો દ્વારા અહીંના રોડ પર સ્પીડ બ્રેકર મુકવા તથા દબાણો દુર કરવાની માંગ સાથે મીડિયા સમક્ષ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. જેના પડઘા આજે પડ્યા હોય તેમ લાગી રહ્યું છે.

લારી ધારકોએ વ્યક્ત કરી વ્યથા

આજે સોમવારે સવારે સંગમ ચાર રસ્તાથી આમ્રપાલી કોમ્પલેક્ષ સુધીના દબાણો દુર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમો પહોંચી હતી. જેમાં રોડ સાઇડ મુકવામાં આવેલા લારી, ગલ્લા તથા શેડના દબાણો દુર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી સમયે કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે હથિયાર ધારી પોલીસનો સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો. આ સમયે સ્થાનિક લારી ઘારકે મીડિયા સમક્ષ પાવતી બતાવીને કહ્યું કે, 'હું પાલિકાની પાવતી નિયમિત રીતે ભરું છું, છતાંય તેઓ મારી લારી લઇ જઇ રહ્યા છે. હવે હું શું કરું તે ખબર નથી પડતી'.

સાંજે ભરાતા શાક માર્કેટને કારણે સર્જાય છે ટ્રાફિકની સમસ્યા

રોડના બંને તરફના દબાણો દુર કરાતા સ્થાનિકોની ઉગ્ર રજુઆત આખરે રંગ લાવી છે. પોલીસ હવે રોડ પર પાર્ક કરીને રાખેલા વાહન ચાલકોને પણ ટ્રાફીક મેમો ફટકારશે તેવું સુત્રો જણાવી રહ્યા છે. જો કે, સ્થાનિકોનું માનવું છે કે, અહિંયા પેટ્રોલ પંપ પાસે સાંજના સમયે શાકભાજી માર્કેટ ભરાય છે. જેને લઇને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. જો આ કામગીરી સાંજના સમયે કરવામાં આવી હોત તો ખરા અર્થમાં દબાણો દુર કરી શકાય. હવે પાલિકાનું તંત્ર શાકમાર્કેટના દબાણો અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Tags :
VadodaraVadodara-CorporationVadodara-Policeillegal-encroachmentsKarelibaug

Google News
Google News