હેરિટેજ સિટીની વાતો કરતાં શાસકો વડોદરાની હેરિટેજ બિલ્ડીંગોનું જતન કરવામાં નિષ્ફળ, ઐતિહાસિક માંડવી ગેટની ખખડધજ હાલત
Vadodara Corporation : વડોદરા શહેરની મધ્યમાં ઐતિહાસિક માંડવીના પાયાના પિલરના કાંગરા ખરી રહ્યા છે. એક તરફ છેલ્લા ચાર વર્ષથી સતત રજૂઆત છતાંય ન્યાય મંદિરનુ બરૉડા સીટી મ્યુઝીયમ બનાવવાનુ કામ હજી શરૂ થઈ શક્યું નથી, અને તેના લીધે તે જર્જરિત થઈ રહ્યુ છે.
વડોદરા કોર્પોરેશનના બજેટમાં દર વખતે હેરિટેજ સિટીની વાતો કરવામાં આવે છે, વડોદરાને હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા નક્કી કરવામાં આવે છે, પરંતુ હેરિટેજની જાળવણી માટે શાસકોનું વલણ ઠંડુ જોવા મળે છે. અગાઉ ન્યાય મંદિર ખાતે વડોદરા ઇન્ટરનેશનલ કલ્ચરલ સેન્ટર 20 કરોડના ખર્ચે બનાવવાની વાત હતી. સુરસાગર ફરતે અને ન્યાય મંદિર વિસ્તારની આસપાસ હેરિટેજ સ્ક્વેરનું આયોજન પાંચ કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કર્યું હતું. હેરિટેજ સેલની અગાઉ રચના કરવામાં આવી હતી. પ્રવાસને વેગ મળે તે માટે હેરિટેજ વારસાના જતન માટે નક્કી કરવામાં આવ્યું હતું. વડોદરામાં 144 જેટલી હેરિટેજ બિલ્ડીંગ છે. ચાલું વર્ષના બજેટમાં વડોદરા શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે હાથ ધરેલા કાર્યોને આગામી વર્ષમાં આગળ વધારવા નિર્ધાર કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આટલી બધી પ્રતિબધ્તા વ્યક્ત કરી હોવા છતાં ઐતિહાસિક માંડવીની થઈ રહેલી જર્જરિત હાલત મુદ્દે ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પીલરમાં તિરાડો અને પોપડા પડી રહ્યા છે તો પણ રીપેરીંગ માટે કોઈ પ્રયાસ હાથ ધરાયો નથી. હેરિટેજ સ્ક્વેર બનાવવા માટે પદ્માવતી શોપિંગનું કામ અટવાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે સુલતાન મુઝફફર દ્વારા માંડવીનું બાંધકામ (1511 થી 26 એડી ) કરવામાં આવ્યું હતું. માંડવી વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં છે, જ્યાં ચારે દરવાજા તરફ જતા રસ્તા ક્રોસ થાય છે. માંડવી ગેટનો (1736 એડી) જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો.