રઈશ મહીડા વિરૂદ્ધ દુષ્કર્મ અને ત્રાસની હિન્દુ પરિણીતાની ફરિયાદ
- નડિયાદ પશ્ચિમમાં બુટલેગર પરિવાર માથાનો દુઃખાવો
- ભાઈ સોહીલ ઝડપાયાના પાંચ દિવસ બાદ રઈશની ધરપકડ : પોલીસે વિસ્તારમાં સરઘસ કાઢ્યું
નડિયાદ : નડિયાદ પશ્ચિમમાં સ્થાનિક પોલીસના પાપે બેફામ દારૂ અને ગેરકાયદે પ્રવૃત્તિ કરતો પરિવાર વિસ્તાર માટે માથાનો દુઃખાવો બન્યો છે. હજૂ તા. ૧૭મીએ એસએમસીના દરોડામાં ભરણના ભાર તળે રણજીત મહીડાના દારૂના અડ્ડા પર સપાટો બોલાવ્યો હતો.
જ્યાંથી કુખ્યાત બુટલેગર સોહીલ જશભાઈ મહીડા ઝડપાઈ ગયો હતો. તેનો ભાઈ રઈશ પણ દારૂના ધંધામાં સંકળાયેલો છે. ત્યારે હવે બુટલેગર રઈશ જશભાઈ મહીડા સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, નડિયાદ પશ્ચિમની ૩૨ વર્ષિય હિન્દુ પરિણીત પીડિતાને રઈશે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેણે માંગણી કરી નાણાં અને ઘરેણા સહિત ૮થી ૧૦ લાખ રૂપિયા લીધા હતા. બાદમાં રઈશ વિધર્મી હોવાનું માલુમ પડતા પીડિતાએ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. છતાં દબાણ કરી સંતાનોને ઉપાડી લેવાની ધમકીઓ આપી પીડિતા સાથે સંબંધો બાંધ્યા હતા. 'પોલીસ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે' તેવી ધમકી આપી વારંવાર પરિણીતા અને તેના પતિને ધમકાવતો હોવાથી સમગ્ર મામલે કલમ ૬૪(૨)(એમ), ૩૫૧(૩), ૩૫૨, ૩૨૪, ૧૧૫ મુજબ રઈશ વિરૂદ્ધ પશ્ચિમ મથકે ગુનો નોંધાવ્યો છે. જેના પગલે પોલીસે રઈશ મહીડાની ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું હતું.
કુખ્યાત બુટલેગર રઈશ મહીડા સાથે પોલીસ અધિકારીઓની જાણ બહાર કેટલાક વહીવટદારો સાથે ઘરોબો હતો. જેનો રૌફ જમાવી તે દારૂના ધંધામાં ધરખમ કમાણી કરતો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
રિકન્સ્ટ્રક્શનના ઓથા હેઠળ પોલીસે આબરૂ બચાવી
કુખ્યાત બુટલેગર રઈશ વિરૂદ્ધ પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. ત્યારે રિકન્સ્ટ્રક્શનના ઓથા હેઠળ પશ્ચિમ પોલીસ મથકથી પીજ રોડ પર આરોપી રઈશ મહીડાનું લંગડાતું સરઘસ કાઢ્યું હતું. ત્યારે પોલીસે પોતાની આબરૂ બચાવવાની કોશીશ કરી હોય તેવું ચર્ચાઈ રહ્યું હતું.
ભૂતકાળની અરજી રફેદફે થતા પરિણીતા વધુ એક વર્ષ પીડાઈ
અગાઉ એકાદ વર્ષના અરસા દરમિયાન મહિલાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે રઈશ વિરુદ્ધ અરજી કરી હતી. પરંતુ તે વખતે અરજી પર કાર્યવાહી થઈ નહોતી અને અરજી રફેદફે થઈ ગઈ હતી. તેના કારણે આરોપીને સાહસ મળ્યું અને તેણે પુનઃ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.