હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાઈ જૂથ અથડામણ, હોર્ડિંગ પર લગાવેલા ઝંડાને લઈને થયો હતો વિવાદ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાઈ જૂથ અથડામણ, હોર્ડિંગ પર લગાવેલા ઝંડાને લઈને થયો હતો વિવાદ 1 - image


Ganesh Visarjan : ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન વારંવાર અસામાજિક તત્વો દ્વારા રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગણેશોત્સવ દરમિયાન જ છઠ્ઠીવાર આવી ઘટના સામે આવી છે. આજે પણ ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચેના ઘર્ષણની ઘટના સામે આવી છે. હિંમતનગરના-ઈડર સ્ટેટ હાઈવે પર ન્યાય મંદિર વિસ્તારમાં લગાવેલા હોર્ડિંગ પર બે જૂથો વચ્ચે ઝંડાના વિષયને લઈને ઘર્ષણ થયું હતું. 

એક જૂથ દ્વારા લગાવવામાં આવેલા ઝંડાને બીજા જૂથે ઉતારી લેતા અથડામણ થઈ હતી. બે જૂથો વચ્ચેની અથડામણની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ DYSP સહિતના અધિકારીઓ ન્યાયમંદિર વિસ્તારમાં દોડી આવ્યા હતાં. ગણેશ વિસર્જનને લઈને મોટી સંખ્યામાં આ વિસ્તારે લોકોના ટોળા પણ ઉમટ્યાં હતાં.

આ પણ વાંચોઃ સુરતમાં પાલ-હજીરા રોડ પર ગણેશજીની ઉંચી પ્રતિમા વાયરોના કારણે પસાર ન થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો

આ પહેલાં સુરત, વડોદરા, ભરૂચ, કચ્છ અને ખેડામાં પણ આ પ્રકારની ઘટના જોવા મળી હતી. જ્યાં અમુક અસામાજિક તત્વો દ્વારા કોમવાદના નામે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

અસમાજિક તત્વોનો ત્રાસ

ગત અઠવાડિયે કઠલાલમાં વાહન ઓવરટેક જેવી નાનકડી વાતે બે કોમના ટોળાઓએ આખું કઠલાલ શહેર માથે લીધું હતું. ત્યારબાદ પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. જોકે, ગત શનિવારે મહુધા પંથકમાં બે ઈન્સ્ટા આઈડી યુઝર્સે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. જેને લઈને કઠલાલના યુવકો ફરિયાદ નોંધાવવા મહુધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. મોડી રાત્રે ફરિયાદ નોંધાવી પરત ફરતા પોલીસ સ્ટેશનની બહાર જ ટોળું આવી પહોંચ્યું હતું. પોલીસે ફરિયાદીને પોતાની ગાડીમાં બેસાડવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી પોતે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. ત્યારબાદ SOG, LCB ની ટીમ બીજા દિવસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

સુરતમાં પથ્થરમારાની ઘટના 

સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર-પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં ગણેશજીની મૂર્તિ ખંડિત થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ બાપ્પાની પ્રતિમા પાસે મુકેલા ફટાકડામાં લાગી આગ, સુરતમાં વિસર્જન વખતે બનેલી ઘટના

વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયત્ન


શહેરના ભાયલી રોડ પર આવેલી અર્બન રેસિડેન્સીમાં ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્યાં ગણપતિની સ્થાપના કરી છે તે બિલ્ડિંગ પર ઝંડો લાગ્યો હતો. જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા. જો કે, બાદમાં સ્થાનિક કૉર્પોરેટર અને પોલીસે મધ્યસ્થી કરતા ઝંડા ઉતારી લેવામાં આવ્યા.

ભરૂચમાં બે સમુદાયો વચ્ચે અથડામણ

ભરૂચમાં બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં બે મોટા તહેવાર એકસાથે આવી રહ્યા છે જેની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ બબાલ થઇ હતી. બી. ડિવિઝન પોલીસમથકના કુકરવાડામાં આવેલા ગોકુળનગર નજીક બે સમુદાયના લોકો વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ઝંડા લગાવવા જતા મામલો બીચક્યો હતો. આ દરમિયાન ભારે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી.

ગણેશ પંડાલ પર પથ્થરમારો

કચ્છમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની છે. 10 સપ્ટેમ્બરે સાંજે કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ  સુરતની જેમ બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તોફાની તત્વોએ નજીકમાં આવેલા એક મંદિર પર અન્ય ધર્મનો ઝંડો પણ લગાવ્યો હતો. 


Google NewsGoogle News