Get The App

ગોંડલ યાર્ડમાં સિઝનની ડુંગળીની સૌથી વધુ આવકઃ એક જ દી'માં દોઢ લાખ ગુણી

Updated: Dec 25th, 2023

GS TEAM


Google News
Google News
ગોંડલ યાર્ડમાં સિઝનની ડુંગળીની સૌથી વધુ આવકઃ એક જ દી'માં  દોઢ લાખ ગુણી 1 - image


યાર્ડ બહાર બંને બાજુ ડુંગળી ભરેલાં વાહનોની 3થી 4 કિ.મી. લાંબી કતારો  : જંગી આવક વચ્ચે ભાવમાં ગાબડું પડતાં ડુંગળીએ ફરી ખેડૂતોને રડાવ્યાઃ રૂ. 200નો ઘટાડો જોવા મળતા ઉત્પાદનમાં સોના કરતા ઘડામણ મોંઘું જેવો તાલ

ગોંડલ, : સૌરાષ્ટ્રમાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની ડુંગળીની સૌથી વધુ આવક જોવા મળી છે.ગઈકાલ રવિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં માર્કેટ યાર્ડ સતાધીશો દ્વારા ડુંગળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા યાર્ડ બહાર બંને બાજુ ડુંગળી ભરેલા વાહનોની ૩ થી ૪ કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી હતી.આ સાથે માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના દોઢ લાખ કટ્ટાની આવક થવા પામી હતી.યાર્ડમાં ડુંગળીની સિઝનની સૌથી વધુ આવક થતા માર્કેટ યાર્ડ ડુંગળીથી ભરચક થઈ જવા પામ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી એ પહેલા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના 20  કિલોના ભાવ રૂપિયા 700 સુધીના બોલાતા હતા.પરંતું ઓચિતા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ડુંગળીની બજાર ગગડી જવા પામી હતી.આ સાથે જ ડુંગળીની બજાર રૂપિયા 500 સુધીની થઈ જતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો.

કેન્દ્ર સરકારે કરેલ ડુંગળીની નિકાસ બંધીને લઈને ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યાંની સાથે ભાવમાં તળીયે બેસી જવા પામ્યા હતા.તો બીજી તરફ ખેડૂતોની નિકાસબંધી હટાવવાની માંગ સાથેના રોષ વચ્ચે આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની સૌથી વધુ આવક થતા ફરી ડુંગળીના ભાવમાં રૂપિયા 200નો ઘટાડો જોવા મળ્યો છે.જેમને કારણે ખેડૂતોને ડુંગળીના ઉત્પાદનમાં સોના કરતા ઘડામણ મોંઘું નું માહોલ સર્જાયો હતો.આ સાથે યાર્ડમાં ડુંગળીની હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100થી લઈને 300સુધીના બોલાયા હતા.ડુંગળીના ભાવમાં ફરી ગાબડું પડતા  માર્કેટ યાર્ડમાં વેપારીઓ,ખેડૂતો સહિતના લોકોમાં સરકાર સામે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક નિકાસ બંધી હટાવવામાં આવે તેવી માંગ ઉઠવાની સાથે ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે.

Tags :