મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી 1 - image


Gujarat Rain Update Latest News : ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: નર્મદા ડેમને લઈને મહત્ત્વના સમાચાર, હાઇ ઍલર્ટ જાહેર

કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી

ભારે વરસાદના પગલે ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં 10 ઇંચ વરસાદ

રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં 9 ઇંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6.00થી 10.00 કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: 12 ઇંચ વરસાદથી વડોદરા જળબંબાકાર, વિશ્વામિત્રીમાં પૂર આવતાં અડધું શહેર પાણીમાં, અઢી લાખ ઘરોમાં અંધારપટ

પાદરા, ગોધરા, અને વાંકાનેરમાં 12 ઇંચ વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ થયો છે.

ધોળકા તાલુકામાં 8 ઇંચ વરસાદ

વધુમાં, ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં 8 ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. 

રાજ્યના 11 તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ

આ ઉપરાંત રાજ્યના 11 તાલુકામાં 7 ઇંચથી વધુ, અન્ય 11 તાલુકામાં 6 ઇંચથી વધુ, 16 તાલુકામાં 5 ઇંચથી વધુ, 25 તાલુકામાં 4 ઇંચથી વધુ, 40 તાલુકામાં 3 ઇંચથી વધુ, 37 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 35 તાલુકામાં એક ઇંચથી વધુ તેમજ 48 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 251 તાલુકામાં સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં જળપ્રલય! 28 જિલ્લામાં રેડ ઍલર્ટ, તો 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ, ડેમ છલકાયા

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.66 ટકા

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 27મી ઑગસ્ટ, 2024ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.66 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા  મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 116 ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 108 ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં 101 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 98 ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં 80 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.



Google NewsGoogle News