એમ.એસ.યુનિ.ના તમામ હાયર પેમેન્ટ કોર્સનો રિવ્યૂ કરવામાં આવશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના તમામ હાયર પેમેન્ટ કોર્સને રિવ્યૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ માટે કોર્સ સાથે સંકળાયેલા અધ્યાપકોના ફેકલ્ટી ડીનો થકી તા.૧૫ ફેબુ્રઆરી સુધીમાં સૂચનો મંગાવવામાં આવ્યા છે અને તેના આધારે હાયર પેમેન્ટ કોર્સ માટેની નીતિમાં જરુરી ફેરફારો કરવામાં આવશે.
સૂત્રોનું કહેવું છે કે, વિવિધ ફેકલ્ટીઓમાં ૫૦ કરતા વધારે હાયર પેમેન્ટ કોર્સ ચાલે છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ કોર્સ પર ધ્યાન આપવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે.આ પૈકીના કેટલાક કોર્સની ફી તો ૫૦૦૦૦થી માંડીને ૧ લાખ રુપિયા જેટલી છે.
તાજેતરમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ખુદ ચાન્સેલર શુભાંગિનીદેવી ગાયકવાડે જ આ મુદ્દો ઉઠાવ્યો હતો.તેમણે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલને સૂચન કર્યું હતું કે, વાલીઓ અને વિદ્યાર્થીઓની ફરિયાદો વધી રહી છે અને તેના પર યુનિવર્સિટીએ કાર્યવાહી કરવી જોઈએ.
જેના પગલે ગઈકાલે, શનિવારે હાયર પેમેન્ટ કોર્સના ડાયરેકટર, ડેપ્યુટી ડાયરેકટર, કો ઓર્ડિનેટર એમ કોર્સ સાથે સંકળાયેલા અધ્યાપકોની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં ચર્ચા વિચારણા કરાઈ હતી.પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવના એકહથ્થુ વહીવટમાં કશું નહીંં બોલનારા અધ્યાપકો બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એ પછી શનિવારે મળેલી બેઠકમાં ખુલીને બોલ્યા હતા.
બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્યોએ કહ્યું હતું કે, હાયર પેમેન્ટ કોર્સમાં ઓછા પગારના કારણે ઘણા અધ્યાપકો નોકરી છોડીને જતા રહ્યા છે.મહારાજા રણજિતસિંહ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન તેનું સૌથી મોટુ ઉદાહરણ છે.ઘણા કોર્સમાં પૂરતો સ્ટાફ નથી.આ ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યવસ્થિત સુવિધાઓ પણ મળી રહી નથી તેમજ વિદ્યાર્થીઓની ફરિયાદો પર ધ્યાન પણ આપવામાં આવતું નથી.
પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર અધ્યાપકોની ભરતી બંધ
વધારે ફી લેતા હાયર પેમેન્ટ કોર્સમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર અધ્યાપકોને રાખવામાં આવતા હતા અને તેમને ૫૦૦૦૦ રુપિયા પગાર આપવામાં આવતો હતો.જે અન્ય હંગામી અધ્યાપકો કરતા વધારે હતો.જોકે પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પરના અધ્યાપકોની પોસ્ટ પર ભરતી બંધ કરી દીધી હતી.તેની જગ્યાએ આ અધ્યાપકોને ટીચિંગ આસિસટન્ટ અને ટેમ્પરરી લેકચરરની પોસ્ટ માટે એપ્લાય કરવાની ફરજ પાડવામાં આવી હતી.જેના કારણે આ અધ્યાપકોનો પગાર પણ ૫૦૦૦૦ની જગ્યાએ ઘટી ગયો હતો.તેના કારણે હાયર પેમેન્ટ કોર્સમાંથી ઘણા અધ્યાપકો રાજીનામુ આપીને બીજી શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી માટે જતા રહ્યા હતા.હજી પણ યુનિવર્સિટી સત્તાધીશોએ પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર અધ્યાપકોની ભરતી કરવી કે નહીં તે અંગે નિર્ણય લીધો નથી.
તોતિંગ ફીવાળા હાયર પેમેન્ટ કોર્સ
--બીબીએ ૫૦૦૦૦
--બીસીએ ૫૦૦૦૦
--બીએસસી હાયર પેમેન્ટ ૪૦૦૦૦
--બેચરલ ઈન ડિઝાઈન ૧.૧૦ લાખ
--ઈન્ટિરિયર ડિઝાઈન ૧.૧૦ લાખ
--બેચલર ઈન સાયકોલોજી ૪૦૦૦૦