ગોંડલમાં હાઇવોલ્ટેજ ડ્રામાઃ અલ્પેશના કાફલા પર ગણેશના સમર્થકોનો હુમલો
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પરિવાર અને પાટીદાર આગેવાનો વચ્ચે ઘમસાણ : ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું : બંને જૂથના સમર્થકોનું જબરદસ્ત વિરોધ પ્રદર્શન : 5 કારના કાચ ફોડયા પથ્થરમારોઃ અલ્પેશ કથીરિયા જૂથે રૂટ બદલાવી મુલાકાત ટૂંકાવવી પડી
ગોંડલ, : ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા વચ્ચેના શાબ્દિક યુધ્ધ બાદ સામાજિક અને રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. ત્રણ દિવસ પહેલા સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ 'એક વાર ગોંડલ આવી બતાવો..'નો પડકાર ફેંક્યા બાદ 'હું ગોંડલ આવું છું'ની પોસ્ટ મુકીને આજે સવારે ગોંડલ આવી પહોચેલા પાટીદાર આગેવાનો અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ, ધામક માલવીયાના કાફલાને ગણેશ જાડેજાના સમર્થકોનો જબરો વિરોધ સહેવો પડયો હતો. ઠેર-ઠેર અલ્પેશ કથીરિયાનો વિરોધ દર્શાવતા બેનરો-પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવેલી મહિલાઓ સહિતનાં લોકોએ નારાબાજી કરી તેઓના કાફલાને રોકવા પ્રયત્ન કર્યા હતા. આશાપુરા ચોકડી પાસે લોકોનાં ટોળાએ તેમના કાફલામાં સામેલ ચાર-પાંચ કારનાં કાચ ફોડી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પથ્થરબાજી પણ થઇ હતી, જેથી સમય પારખીને તેમણે તમામ રાજમાર્ગો પર ફરવાનું માંડી વાળીને પોતાનો રુટ બદલાવી ખોડલધામ જવા રવાના થઇ ગયા હતા.
ગોંડલમાં આજે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી રીબડાથી લઈને ગોંડલના છેવાડા સુધી 150 જેટલા પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, જયારે ઘણાં લોકો તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર સહિતના ઉગ્ર દેખાવ કરતા જોવા મળ્યા હતાં. રાજકોટથી ગોંડલ આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં રીબડા, ભુણાવા, ભરૂડી, શેમળા ચોકડી, બીલીયાળા, ભોજપરા સહિત નેશનલ હાઇવે પર ઉતરી આવેલા લોકોએ કાળા વાવટા અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેમની ગાડીનો કાચ ફૂટયો હતો. સદનસીબે લોખંડી સુરક્ષા જાપ્તો હોવાથી તેમનો બચાવ થયો હતો. હુમલાથી સમસમી જઈને તેમણે 'ગોંડલ ખરેખર મિર્ઝાપુર છે, એ સાબિત થઇ ગયું છે..' એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જયારે તેના જવાબમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ 'આ જનતાનો જવાબ છે..' એવું કહ્યું હતું. અન્ય આગેવાનોએ પણ એક-બીજા જૂથ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
આજે અલ્પેશ કથીરિયાનો કાફલો ગોંડલ આશાપુરા ચોકડીએ પહોંચ્યો ત્યારે તેની સાથે યુદ્ધ એજ કલ્યાણ ગૃપનાં લોકો જોડાયા હતા. પરંતુ અલ્પેશ કથીરિયાને આશાપુરા ચોકડી પર ગણેશનાં સમર્થકોનો ભારે સામનો કરવો પડયો હતો. પોલીસનો બંદોબસ્ત હોવા છતા સમર્થકોએ અલ્પેશ કથીરિયાની ગાડી રેકી હાય..હાય..નાં સુત્રોચારો સાથે હલ્લાબોલ કરી મુકતા પોલીસે મહામહેનતે કાફલાને કોર્ડન કરી આશાપુરા મંદિરે પહોચાડયા હતા. આ દરમિયાન અલ્પેશ કથીરિયાની કાર સહિત અન્ય ગાડીઓનાં કાચ ફોડાયા હતા અને પથ્થરબાજી પણ થઇ હતી, જેથી પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. જેતપુર રોડ પર ત્રણ ખુણીયાએ ગણેશનાં સમર્થકો પણ પહોચી જતા માહોલ ગરમાયો હતો અને ઝપાઝપીની ઘટના પણ બની હતી. બાદમાં ગોંડલ ફરવાનો પ્રવાસ ટુંકાવી અલ્પેશ કથીરિયા સહિતનો કાફલો ખોડલધામ જવા રવાના થયો હતો. જ્યાં બપોરે દર્શન કરીને તેઓ રાજકોટ-સુરત જવા રવાના થઇ જતાં પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. આજે ત્રણ કલાક ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું.