Get The App

પાવીજેતપુર નજીક અજાયબીઓથી ભરેલો હિડંબાવનનો માખણીયો પર્વત

પર્વત ઉપર પ્રાચીન શિવ મંદિર, શિલાલેખ, હજારો વર્ષ જુના ગુફા ચિત્રો, બારેમાસ છલોછલ રહેતા તળાવો આવેલા છે એવા પથ્થરો છે કે જેમાંથી લાળ નીકળે છે

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
પાવીજેતપુર નજીક અજાયબીઓથી ભરેલો હિડંબાવનનો માખણીયો પર્વત 1 - image


પાવીજેતપુર : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રાયપુર નજીક આવેલા માખણીયા પર્વતની તળેટીમાં ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ૭ દિવસનો એડવેન્ચર કોર્ષ અને ૧૪ થી ૪૫ વર્ષના યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસન બેઝીક કોર્ષનો આજથી પ્રારંભ થયો છે. કેમ્પની શરૃઆતમં છોટાઉદેપુર કલેકટર અનિલ ધામેલીયાએ કહ્યું હતું કે  પ્રાકૃતિક સંપદા ધરાવતા માખણીયા પર્વત પર ઐતિહાસિક ચિત્રો, સ્થાનિક પરંપરાની ધરોહર સચવાયેલી છે. લોકગીતોમાં માખણીયાનો ઉલ્લેખ થાય છે. વન્ય પ્રાણીઓની વસાહત પણ અહિયાંથી શરૃ થાય છે. ફીઝિકલ ફિટનેસની સાથે બાળકો પ્રકૃતિને માણી શકે સાથે સાથે એડવેન્ચર અને વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ થાયએ હેતુથી આ કોર્ષની શરૃઆત કરવામાં આવી છે. ભવિષ્યમાં આજ જગ્યા એડવાન્સ કોર્ષ અને ફૂલ ટાઈમ કોર્ષ પણ શરૃ કરવામાં આવશે.

'પાવાગઢ' પંદર શેરનો 'હોરહિડો'સોળ શેરનો

શું છે આ માખણિયો પર્વત, તેનુ નામ કેમ માખણિયો છે અને આ પર્વત ઉપર કેટકેટલી અજાયબીઓ છે ? તે અંગે સ્થાનિક લોકો સાથે વાત કરતા અનેક રસપ્રદ માહિતીઓ જાણવા મળી ઇતીહાસ લોકોની સંસ્કૃતિ અને લોકબોલીમાં છુપાયેલો છે. અહી સ્થાનિક લોકોમા માખણીયા પર્વતની અનોખી  ગાથા છે. સ્થાનિક લોકો આ પર્વતને 'હોર હિડો'  કહે છે. એવુ કહેવાય છે કે પાવાગઢ પંદર સેરનો અને હોરહીડો સોળ સેરનો એટલે કે પાવાગઢ કરતા માખણીયો પર્વત ઊંચો છે અથવા તો મોટો છે. આ પર્વતની ઊંચાઇ જમીનથી ૨૦૦૦ ફૂટ છે. લંબાઇમાં આશરે ૫ કિ.મી. છે. પાંડવો ગુપ્તવાસ દરમિયાન અહી રોકાયા હોવાની માન્યતા છે. આ પર્વત ઉપરની જ ગુફાઓમાં છુપાઇને આદિવાસી ક્રાંતિકારીઓ અંગ્રેજો સામેની લડાઇ લડતા હતા. જાંબુઘોડા, પાવીજેતપુર અને છોટાઉદેપુર સુધીનો જંગલ વિસ્તાર હિડંબાવન તરીકે ઓળખાય છે. આ પર્વતને દુરથી જોતા એવુ લાગે કે માખણનો છલકાતો ઘડો છે એટલે માખણીયો ડુંગર કહે છે.

પાવીજેતપુર નજીક અજાયબીઓથી ભરેલો હિડંબાવનનો માખણીયો પર્વત 2 - image

પ્રાચિન ચિત્રોવાળી ચિત્રા ડુંગરી અને હાથી પગલા

આ વિસ્તારમાં માખણીયા પર્વત ઉપરાંત નાની ડુંગરીઓ પણ આવેલી છે. રાયપુર ખાતે આવેલી ડુંગરીને ચિત્રા ડુંગરી તરીકે ઓળખવામાં આવે છે. આ ડુંગરી પર નાની ગુફાઓના પથ્થરો ઉપર આદિવાસીઓની ચિત્રલીપીઓ (પીઠોરા આર્ટ તરીકે ઓળખાય છે) વિવિધ ચિત્રો દોરેલા છે એટલે ચિત્રા ડુંગરી. માંખણીયા ડુંગર પર ચઢતા રસ્તામાં નાગદેવતાની ફેણના આકારની એક મહાકાય શિલા આવેલી છે.એ સિવાય આ સ્થળ પાસે એક પથ્થર છે જે પથ્થરમાં તલવાર સાથે રોમન સિપાહી ઉભો હોય તેવો ભાસ થાય છે.બીજી બાજુ હાથી પગલા ગામ આવેલું છે. જે ગામમાં પણ એક ડુંગરી ઉપર એક વિશાળ પથ્થર ઉપર હાથીનાં પગલાની છાપ છે.

પાવીજેતપુર નજીક અજાયબીઓથી ભરેલો હિડંબાવનનો માખણીયો પર્વત 3 - image

કોસમુપાણીનું બારમાસી ઝરણું અને બારમાસી તળાવો

માખણીયા ડુંગર પર કોસુમપાણી ગામ આવેલું છે.આ ગામમાં એક ઝરણું છે.આ ઝરણુ બારેમાસ છે. ગમે તેવો દુકાળ હોય તો પણ આ ઝરણામાં પાણી ખુટતું નથી. આ ઉપરાંત પર્વત પર ઢેરી અને સાદુ નામના બે તળાવ આવેલા છે.આ તળાવમાં પણ ક્યારેય પાણી સુકાતુ નથી. નજીકમાં સાંત કુંડો આવેલા છે. જેમાં ૬ ખાલી છે અને એકમાં જ પાણી છે જેમાં અનેક જાતની રંગબેરંગી માછલીઓ પણ જોવા મળે છે.

પાવીજેતપુર નજીક અજાયબીઓથી ભરેલો હિડંબાવનનો માખણીયો પર્વત 4 - image

શિલામાંથી લાળ જેવો પદાર્થ નીકળે એટલે 'જીભડી હોળ'

ઘોડાવેલથી થોડું આગળ જતાં એક વિશાળ શિલા આવે છે જે જીભડી હોળ તરીકે ઓળખાય છે.આ શિલા લગભગ ૫૦ ફૂટ લાંબી છે.શિલામાંથી ચિકણો પદાર્થ નીકળે છે.જે ચૈત્રીમાસ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં લાળની માફક દદડે છે એટલે તેનુ નામ જીભડી હોળ પડયું. પર્વત પર સાચા ખોટાની બારીમાંથી પસાર થઇ જાય તે સાચો ગણાય છે. સાચા જુઠ્ઠા સાબિત માટે પણ લોકો અહિં આવે છે. આ બારીને સ્થાનિક લોકો બે બાપની બારી તરીકે પણ ઓળખે છે. બારી વચ્ચે જે ફસાઇ જાય તે બે શ્રીફળ વધેરવાની બાધા રાખે તો જ નીકળે છે.

પાવીજેતપુર નજીક અજાયબીઓથી ભરેલો હિડંબાવનનો માખણીયો પર્વત 5 - image

નાગફેણી શિલા અને ભીમ-હિડંબાની ગુફા

તળાવની બાજુમાં ભગ્ન અવસ્થામાં પ્રાચીન શિવ મંદિર પાસે બે નાના પથ્થરો છે જે દિકરા દિકરીના પથ્થર તરીકે ઓળખાય છે. નજીકમાં નાગની ફેણ આકારની શિલા છે. શિલા પર પ્રાચિન લિપીમાં લખાણ છે. આ વિસ્તાર સ્થાનિકો ઘોડાવેલ તરીકે ઓળખે છે.પર્વત પર એક ગુફા આવેલી છે.જેનું ગુફાનું મુખ માત્ર એક જ માણસ પસાર થઇ શકે તેટલું નાનું છે.પરંતુ ગુફા અંદરથી એટલી મોટી છે કે તેમા ૫૦૦ માણસો સમાઇ શકે.માખણીઆ પર્વત ઉપર વર કન્યાની ચૌરી,સાંસુ વહુનો ડીંડો વગેરે અનેક અજાયબીઓ પણ છુપાયેલી છે. ભીમ અને હિડંબા અહી રહેતા હોવાની પણ માન્યતા છે.


Google NewsGoogle News