ઐતિહાસિક ઈમારતોની દુર્દશા, ત્રણ વર્ષ પહેલા તુટેલી લહેરીપુરા ગેટની છતના સમારકામમાં અખાડા
વડોદરાઃ શહેરમાં સ્માર્ટ સિટીના વિકાસની વાતો વચ્ચે ઐતિહાસિક ઈમારતોની દુર્દશા તરફ જોવાની તસ્દી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો લઈ રહ્યા નથી.વડોદરાના ચાર દરવાજા પૈકીનો એક લહેરીપુરા દરવાજાની છત ત્રણ વર્ષ કરતા વધારે સમયથી તુટેલી છે પરંતુ તેના સમારકામ માટે કોર્પોરેશનનું તંત્ર અખાડા કરી રહ્યું છે. સાર સંભાળના અભાવે આ દરવાજાની હાલત દિવસે ને દિવસે વધારે ખરાબ થઈ રહી છે.
મળતી વિગતો પ્રમાણે ૨૦૧૭માં ૭૫ લાખ રુપિયાના ખર્ચે આ દરવાજાનું રિનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ તેના ચાર જ વર્ષમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં માંડ ચાર ઈંચ વરસાદમાં જ દરવાજાની છત તુટી પડી હતી.એ પછી આ દરવાજાના સમારકામ માટે કોઈ જાતની કાર્યવાહી થઈ નથી.વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા કલ્પેશ પટેલે આ મુદ્દા પર અત્યાર સુધીમાં કોર્પોરેશન પાસે ત્રણ વખત આરટીઆઈ કરીને જાણકારી માગી છે.કલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર દર વર્ષે કોર્પોરેશન એવો બીબાઢાળ જવાબ આપે છે કે, અમે આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને લહેરીપુરા ગેટની કામગીરી ઝડપથી કરવા માટે જણાવ્યું છે.લહેરીપુરા દરવાજા પર દીવાલો માટે જોખમકારક પીપળાનું વૃક્ષ પણ ઉગી ગયું છે.દીવાલ પરથી વૃક્ષ દૂર કરવાનું એક સામાન્ય કામ પણ કોર્પોરેશનથી થઈ શકતું નથી.ચોમાસામાં અહીંયા પાણી ભરાતું હોવાથી દરવાજાની દીવાલોને સતત નુકસાન થઈ રહ્યું છે.દરવાજાની આસપાસ પથારાવાળાઓ દબાણ કરીને બેસી ગયા છે.ઘણી વખત તો લહેરીપુરા દરવાજાની દીવાલો પર પણ તેમનો સામાન લટકતો જોવા મળે છે.
કલ્પેશ પટેલનું કહેવું છે કે, આ મુદ્દે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો હતો.મુખ્યમંત્રીએ તો મારી સાથે ફોન પર વાત પણ કરી હતી.જોકે એ પછી પણ કોર્પોરેશને સમારકામ શરુ કરવાની કોઈ હિલચાલ કરી નથી.
ન્યાયમંદિરની ઈમારત સાત વર્ષથી ખાલી, દીવાલોનો ઉપયોગ વોશરુમ તરીકે થવા માંડયો
શહેરના ન્યાયમંદિર વિસ્તારની જૂની કોર્ટની ઐતિહાસિક ઈમારતને પણ ખાલી કરે સાત વર્ષ થઈ ગયા પરંતુ તંત્ર આ ઈમારતનો શું ઉપયોગ કરવો તે હજી સુધી નક્કી કરી શક્યું નથી.૧૨૫ વર્ષ જૂની આ ઈમારત મહારાજા સયાજીરાવે વડોદરાને ભેટમાં આપી હતી.તેમાં કોર્ટ ચાલતી હતી પરંતુ દિવાળીપુરા વિસ્તારમાં કોર્ટનું નવું બિલ્ડિંગ બન્યા બાદ ૨૦૧૮માં કોર્ટની બંને ઈમારતો ખાલી કરવામાં આવી હતી.આ પૈકીની એક લાલ કોર્ટ તરીકે ઓળખાતી ઈમારતમાં મ્યુઝિયમ બનાવવાનો પણ પ્રસ્તાવ મૂકાયેલો છે.જોકે હજી સુધી તો આ ઈમારતના ભાવિ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.વપરાશ વગર તો આ ઈમારતને પણ નુકસાન થવાનો ભય છે.તેના દરવાજા પણ તુટી ગયા છે.રાત્રીના સમયે તેની દીવાલોનો ઉપયોગ વોશરુમ તરીકે થવા માંડયો છે. બંને ઈમારતોની આસપાસ સફાઈના અભાવે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે.
૧૫૫૮માં બનેલા લહેરીપુરા ગેટમાં ૧૮૭૯માં સુધારા વધારા કરાયા હતા
લહેરીપુરા દરવાજો ૧૫૫૮માં બનેલા કિલ્લા એ દૌલતાબાદનો હિસ્સો હોવાનું મનાય છે.તે સમયે વડોદરા દૌલતાબાદ તરીકે પણ ઓળખાતું હતું.પાછળથી તે વડોદરા તરીકે ઓળખાવાનું શરુ થયું હતું.આજનો ચાર દરવાજા વિસ્તાર આ જ કિલ્લાની અંદરનો વિસ્તાર હતો તેવું અનુમાન છે.લહેરીપુરા ગેટની સાથે સાથે ચાંપાનેર, માંડવી અને ગેંડીગેટ એમ ત્રણ દરવાજા પણ તે જ સમય બન્યા હતા.સુલતાન ખલીલખાને આ કિલ્લો બનાવ્યો હતો.આ દરવાજાને ૧૮૭૯માં મહારાજા સયાજીરાવના લગ્ન નિમિત્તે સુધારા વધારા કરીને વધારે સુંદર બનાવવામાં આવ્યો હતો.મહારાજા સયાજીરાવના કાર્યકાળમાં ઘણી ઈમારતો ડિઝાઈન કરનારા બ્રિટિશ આર્કિટેકટ રોબર્ટ ચિઝોમ આ દરવાજાના બાંધકામથી ઘણા પ્રભાવિત થયા હતા.