જામનગર શહેરમાં સરકારી કચેરીમાં ટુ-વ્હીલરમાં આવતા કર્મચારીઓ સામે આજથી ટ્રાફિક ઝુંબેશ શરૂ કરાઇ
Jamnagar Helmet Traffic Drive : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીમાં ફરજ પર આવતા કર્મચારીઓ કે જેઓ પોતાના ટુ વ્હીલરમાં આવતી વખતે હેલ્મેટ પહેરીને ફરજિયાત આવવાની જાહેરાત કરી દેવાયા બાદ આજે વહેલી સવારથી ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
જામનગરની જિલ્લા કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વાર પર સવારે 10.00 વાગ્યાથી ટ્રાફિક શાખાની ટુકડી તહેનાતમાં રહી હતી, અને જિલ્લા કલેકટર કચેરીમાં પ્રવેશ કરનારા સરકારી કર્મચારીઓ, કે જેઓ હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ મેળવી રહ્યા હતા, તેઓને તમામને અટકાવીને દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
માત્ર 20 મિનિટના સમયગાળા દરમિયાન જ એક ડઝનથી વધુ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશતાં દંડાયા હતા, અને ટ્રાફિક શાખાની ટીમ દ્વારા તેઓ સામે સ્થળ પર જ દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે હલચલ મચી ગઈ હતી.
જોકે આગમચેતીના ભાગરૂપે કેટલાક સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને પ્રવેશ્યા હતા, જેઓને ટ્રાફિક શાખા દ્વારા અંદર જવા દેવામાં આવ્યા હતા, બાકીના અન્ય કર્મચારીઓ દંડાયા હતા.