જામનગર શહેરમાં સરકારી કચેરીમાં ટુ વ્હીલરમાં આવતા કર્મચારીઓ સામે સતત ત્રીજા દિવસે ટ્રાફિક ઝુંબેશ અવિરત ચાલુ રખાઇ
Jamnagar Helmet Drive : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીમાં ફરજ પર આવતા કર્મચારીઓ કે જેઓ પોતાના ટુ વ્હીલરમાં આવતી વખતે હેલ્મેટ પહેરીને ફરજિયાત આવવાની જાહેરાત કરાયાના અનુસંધાને પરમદિને જિલ્લા કલેકટર કચેરીએ અને ગઈકાલે લાલ બંગલા તેમજ સાત રસ્તા પાસે આવેલી વીજ કચેરીએ ટ્રાફિક શાખાએ અનુક્રમે 53 તેમજ 46 વાહન ચાલકો પાસેથી હેલ્મેટ પહેર્યા વગર પ્રવેશ કરતાં હાજર દંડ વસૂલ્યો હતો. જે કામગીરી આજે ત્રીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી.
આજે ટ્રાફિક શાખા દ્વારા જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં પ્રવેશવા માટેના બંને ગેઇટ પર વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને બંને ગેઇટમાં હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશનારા કુલ 32 સરકારી કર્મચારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, અને હાજર દંડ વસૂલ્યો હતો. આ કાર્યવાહીને લઈને સરકારી કર્મચારીઓમાં ધીમે ધીમે જાગૃતિ આવતી જાય છે અને મહાનગરપાલિકાની કચેરીમાં પ્રવેશ મેળવનારા અનેક કર્મચારીઓ આજે હેલ્મેટ સાથે પ્રવેશ કરતાં જોવા મળ્યા હતા.