પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત, એર એન્કલેવ પર સર્જાઈ દુર્ઘટના
Helicopter Crash in Porbandar: પોરબંદરમાં આવેલા કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલ સામે આવ્યા છે. કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ ઘટનામાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા છે. ઘટનાની જાણકારી મળતાં જ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી. ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે આગ પણ ભડકી હતી જેને ઓલવવાની તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને રેસ્ક્યૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
મળતી માહિતી અનુસાર, પોરબંદરના કોસ્ટગાર્ડ એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર ક્રેશ થતા વિસ્ફોટ થયો હતો. હેલિકોપ્ટરમાં સવાર ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે. હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના સર્જાય હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હેલિકોપ્ટરમાં બે પાયલોટ અને એક ક્રુમેમ્બર સવાર હતા.
ઉલ્લેખનીય છે કે ત્રીજી સપ્ટેમ્બર 2024ના રોજ પોરબંદર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં કોસ્ટગાર્ડના 3 જવાન શહીદ થયા હતા.