Get The App

ખોડિયાર નગરના રસ્તા પર કોર્પોરેશનની કામગીરીના કારણે ભારે ટ્રાફિક જામ

ટ્રાફિક પોલીસે રોડ બંધ કરવાની મંજૂરી આપતા પહેલા ટ્રાફિકના ધસારાને ધ્યાને ના લીધો

કેટલાક વાહન ચાલકો હાઇવે પર છ થી સાત કિલોમીટરનું વધારાનું અંતર કાપીને જાય છે

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
ખોડિયાર નગરના રસ્તા પર કોર્પોરેશનની કામગીરીના કારણે ભારે ટ્રાફિક જામ 1 - image

વડોદરા,કોર્પોરેશન દ્વારા ખોડિયાર નગર વિસ્તારમાં કામ શરૃ કરવામાં આવતા એક તરફનો રોડ સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ રોડ  પરના ટ્રાફિકને ધ્યાને લીધા વગર કરવામાં આવેલી કામગીરીના કારણે રોજ સંખ્યાબંધ વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવે છે. ટ્રાફિક એટલી હદે જામ થઇ જાય છે કે, કેટલાક વાહન ચાલકો હાઇવે પરથી ૬ થી ૭ કિલોમીટર વધારે અંતર કાપીને જઇ રહ્યા છે.

શહેરના એરપોરેટ સર્કલથી સરદાર એસ્ટેટ તરફ જવાના રોડ પર પીક અવર્સ દરમિયાન  રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. તેવી પરિસ્થિતિ વચ્ચે કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસની સાથે કોઇ ચર્ચા વિચારણા કર્યા વગર માત્ર મંજૂરી માંગી હતી. ટ્રાફિક પોલીસે  પણ  જરૃરી  તપાસ વગર જ મંજૂરી આપી દીધી હતી.  આ રોડ પરના ટ્રાફિકને ધ્યાને લીધા વગર એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે પીકઅવર્સ દરમિયાન રોજ ટ્રાફિક જામ થઇ રહ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી  ગઇ છે કે, અમિત નગર સર્કલ તરફથી આવતા વાહન ચાલકોને સરદાર એસ્ટેટ તરફ કે બાપોદ તરફ જવું હોય તો તેઓ ખોડિયાર નગરવાળા રસ્તા પરથી જવાનું ટાળે છે. કેટલાક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાવાથી બચવા માટે હાઇવે પર થઇને સરદાર એસ્ટેટ અને બાપોદ તરફ જાય છે.

છેલ્લા ચાર દિવસથી થતા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ સ્થળે એક પી.એસ.આઇ.  તથા ચાર પોલીસ જવાનોને તૈનાત  કરવામાં આવ્યા છે.  પરંતુ,  પીક અવર્સ દરમિયાન એટલો બધો વાહનોનો ધસારો હોય છે કે, ટ્રાફિક જામની પરિસ્થિતિ નિવારી શકાતી નથી. ટ્રાફિક પોલીસ દ્વારા કોર્પોરેશનને કામગીરી વહેલીતકે પૂરી કરી દેવા માટે તાકીદ કરવામાં આવી છે. દરમિયાન આ રોડ પરથી અન્ય ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે. નાના વાહનોને હરણી વારસિયા રીંગ રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. આજે એકંદરે ચાર દિવસ કરતા ઓછો ટ્રાફિક જામ થયો હતો.



હાઇવેના દરેક ચાર રસ્તા પર પણ પીકઅવર્સ દરમિયાન ટ્રાફિક જામ

 વડોદરા,શહેરમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ દિન  પ્રતિદિન વણસતી જાય છે. શહેરને અડીને  પસાર થતા દરેક ચાર રસ્તા પર ઓવર બ્રિજ બનાવીને હાઇવેના ટ્રાફિકને સરળ કરી દેવામાં આવ્યો છે.  પરંતુ, હવે પરિસ્થિતિ એવી છે કે, દરેક ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ પીક અવર્સ દરમિયાન થાય છે. હાઇવેની નીચેથી  પસાર થતા સમયે ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઉભા રહેવું પડે છે. ખાસ કરીને સૌથી વધુ ટ્રાફિક જામ ગોલ્ડન ચોકડી, ગોલ્ડન ચોકડી, વાઘોડિયા ચોકડી, કપુરાઇ ચોકડી પર થાય છે. આ ચાર રસ્તાનો ટ્રાફિક હળવો કરવા માટે અન્ય એપ્રોચ રસ્તા બનાવવા પડે.


Google NewsGoogle News