દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા મેઘરાજા: સોનગઢમાં ધોધમાર 8 ઈંચથી વધુ વરસાદ, પેરવડ ગામે જળબંબાકારની સ્થિતિ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
Rain


South Gujarat Rain : રાજ્યમાં ઑગસ્ટ મહિનામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યાં બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે (2 સપ્ટેમ્બરે) સુરત, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. 

આ પણ વાંચો : ગુજરાત માટે ખુશખબર, ભારે વરસાદથી 113 જળાશયો છલકાયા, સરદાર સરોવર ડેમમાં પાણીની જંગી આવક

તાપીના આ ગામમાં ઓલણ નદીના પાણી ઘૂસ્યા

રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસ્યા હોવાથી ગામની આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.

સોનગઢ તાલુકાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, નર્મદા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી સોનગઢથી વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે સોનગઢ સુરત હાઈવેમાં પાણી ભરાયા છે.

ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ 

ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતાં થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઇંચ, ડાંગ-આહવામાં 3.14 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ, લુણાવાડામાં 2 ઇંચ, વાંસદામાં 1.8 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : વડોદરામાં બે દિવસ વરસાદની આગાહી હોવાથી આજવા અને પ્રતાપપુરાના ગેટ બંધ કરવામાં આવ્યા

વ્યારાના પેરવડ ગામે જળબંબાકારની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વહેલી સવારથી સારો એવો વરસાદ ખાબકી રહ્યો  છે, તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વ્યારાના પેરવડ ગામે ધોધમાર વરસાદને પગલે ગામની નદીમાં જાણે ઘોડાપુર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

દાહોદમાં ભારે વરસાદ, નદી-નાળા છલકાયા

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દાહોદમાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જેમાં માછણ નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

આવતી કાલની (3 સપ્ટેમ્બર) આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે 3 સપ્ટેમ્બરે અતિભારે વરસાદને પગલે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા મેઘરાજા: સોનગઢમાં ધોધમાર 8 ઈંચથી વધુ વરસાદ, પેરવડ ગામે જળબંબાકારની સ્થિતિ 2 - image


Google NewsGoogle News