સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો થયા પાણી-પાણી, નદી-ડેમ છલકાયા
Rain In Saurashtra : રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, બોટાદ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે ધોધમાર વરસાદને પગલે નદી-ડેમ પણ છલકાયા.
અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં ખાંભા, બગસરા પંથક, લીલીયા, ધારી ગીર પંથક, સાવરકુંડલા, કુકાવાવ, વડીયા મોરવાડા ખડખડ ખાખરીયા સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
ખાંભામાં ધોધમાર વરસાદ
ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો, જેમાં ઉપરવાસમાં વરસાદને પગલે ખાંભાની નાનુડી નદીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા. જ્યારે નદીમાં ભારે વરસાદી પાણીની આવક વધતા નાનુંડી ચેકડેમ છલકાયો. ખાંભાના ઉપરવાસના પીપળવા, ગીદરડી, ઉમરીયા, લાસા, ભાણીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ. ખાંભા ગીરના મોટા સરાકડીયા રાયડી, નેસડી હનુમાનપુર, તાલડા સહિત ગામોમાં સવારથી ધોધમાર વરસાદ.
વડીયા ડેમ છેલ્લા પાંચ દિવસમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો
વડીયા ડેમમાં પાણીની બમ્પર આવક થતા ફરી થયો ઓવરફ્લો છે. જેના ત્રણ દરવાજા એક-એક ફૂટ ખોલવાની ફરજ પડી. જ્યારે નીચાણવાળા વિસ્તારોના ગામોને કરાય એલર્ટ જાહેર કરાયું. આ ઉપરાંત, વડીયા ચારણીયા સમઢીયાળા સહિત ગામોના નદી પટ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી.
અમરેલી: ધસમસતા પાણીમાં બાઇકની સવારી, વીડિયો થયો વાઇરલ #gujarat #gujaratrain #rain #amreli #viralvideos pic.twitter.com/QjhSOdkwg6
— Gujarat Samachar (@gujratsamachar) October 20, 2024
અમરેલી પંથકના ગામોમાં ભારે વરસાદ
અમરેલી પંથકના બાબાપુર, સરંભડા, ગાવડકા, થોરડી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો. વિજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ તૂટી પડતાં ખેડૂતો મુંઝાયા. જ્યારે ધારી ગીર પંથકમાં પણ વરસાદ ખાબક્યો છે. જેમાં ધારીના ઝર, મોરઝર, દેવળા, કુબડા, નાગધ્રા સહીતના ગામોમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી.
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં અનુરાધાર વરસાદ
તાલુકાના ગાધકડા અને રામગઢમાં ત્રણ ઇંચ ખાબક્યો છે, ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકોને મોટાપાયે નુકસાન થયું. ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યાં છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદને લીધે ખેડૂતો લાચાર બન્યાં. આ ઉપરાંત, લાઠીના ગામ પંથકમાં પણ વરસાદ વરસ્યો.
કુકાવાવ પંથકમાં ગઇ કાલે ઘોઘમાર વરસાદ ખાબકયો હતો. જ્યારે જીથુડી, લુણીધાર, રાંઢીયા સહિતના ગામોમાં ગઈ કાલે ઘોઘમાર વરસાદ વરસ્યો. ગઇ કાલે ધોઘમાર વરસાદને કારણે જીથુડી ગામની સ્થાનિક નંદીમાં ઘોડાપુર આવ્યુ હતું. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું.
બોટાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ
બોટાદના ગઢડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ઉગામેડી રોડ, બોટાદનો ઝાંપો, ઢસા રોડ સહિતના વિસ્તારમાં આજે બપોરના વરસાદ વરસ્યો છે. બોટાદ શહેરમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો.
જામનગરના કાલાવાડમાં વરસાદ
જામનગરના કાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી શહેરના જાહેર માર્ગો પર ફરી વળ્યાં. જેમાં કાલાવાડના નિકાવા, ડાંગરવાડા, રાજડા બેડીયા, શીશાંગ, પીપર, બામણગામ, ગૂંડદા, કાલમેઘડા, ડેરી, સહીતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદનો કહેર, ખેડૂતોના પાકને ભારે નુકસાન
જ્યારે જુનાગઢના માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં અકાળા, સરકડીયા દુધાળા, કાલીંભડા, વડિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો.
દેવભૂમિ દ્વારકામાં મઘેરાજાની તોફાની બેટિંગ
દેવભૂમિદ્વારકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં કલ્યાણપુરના રાવલ, ભાટીયા, પાનેલી ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જ્યારે રાવલ ગામમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા.