ગુજરાતમાં અતિવૃષ્ટિનો કહેર : કુદરતની ઘાત સામે જગતનો તાત લાચાર, 4,000 ગામોમાં પાકને ભારે નુકસાન

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં અતિવૃષ્ટિનો કહેર : કુદરતની ઘાત સામે જગતનો તાત લાચાર, 4,000 ગામોમાં પાકને ભારે નુકસાન 1 - image


Nature's Disaster In Gujarat : આ વખતે ભારે વરસાદે ગુજરાતમાં તબાહી સર્જી દીધી છે. અતિવૃષ્ટિના કહેરને કારણે મોઢામાં કોળિયો છીનવાઇ જતાં ખેડૂતોને આર્થિક નુકસાન વ્હોરવાનો વારો આવ્યો છે. એવો અંદાજ છે કે, ગુજરાતમાં ચારેક હજાર ગામડાઓમાં વરસાદી પાણીને કારણે ખેતી તબાહ થઇ ગઇ છે. એટલું જ નહી, જમીનો ધોવાઇ જતાં ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે. આ પરિસ્થિતી વચ્ચે લાચાર ખેડૂતોએ વહેલી તકે સરકાર સહાય આપે તેવી માંગ કરી છે. 

મગફળી, કપાસ, શેરડી, ડાંગર, શાકભાજી સહિતના પાકનો સોથ વળ્યો, જમીનનું ધોવાણ થતાં ખેડૂતોને બેવડો માર પડ્યો   

ક્લાયમેટ ચેન્જને કારણે ગુજરાતમાં વરસાદની તિવ્રતા વધી છે. મેઘરાજાના બદલાયેલા મિજાજને કારણે ગુજરાતમાં  હાલ 100 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે અને હજુય મેઘરાજાની મહેર જારી રહી છે. મોંઘા બિયારણ,જંતુનાશક દવા ઉપરાંત ખેતમજૂરી બાદ અથાગ મહેનત પછી ઉભા થયેલાં પાકને વરસાદે નિષ્ફળ બનાવી દીધો છે પરિણામે અન્નદાતા પર મોટી આફત આવી પડી છે.

એવો પ્રાથમિક અંદાજ છેકે, ગુજરાતમાં ભાર વરસાદે ચાર હજાર ગામોમાં ખેતીને નુકસાન પહોચાડ્યુ છે. ખેતરોમાં ધુંટણસમા વરસાદી પાણી ભરાતાં ઉભા પાકો ધોવાયા છે. ખાસ કરીને આ વખતે મગફળી અને કપાસનુ બમ્પર વાવેતર થયુ હતું ત્યારે આફતના વરસાદે ગુજરાતમાં વિનાશ વેર્યો છે. મગફળી, કપાસ, શેરડી, ડાંગર અને શાકભાજી સહિતના પાકોને નુકશાની થયાનો અંદાજ છે. 

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સૌથી વઘુ અસરગ્રસ્ત છે. મહત્વની વાત તો એ છે કે, ખેતીને તો નુકસાન પહોંચ્યું પણ સાથે સાથે વરસાદી પાણીને કારણે ખેતીની જમીનોનું પણ મોટાપાયે ધોવાણ થયુ છે.  જમીનને નુકસાન થતાં આગામી સિઝનમાં ખેતી કરવાના મામલે પણ સવાલ ઉભો થયો છે. હજુય ઘણાં વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી યથાવત છે. 

જોકે, કૃષિ વિભાગની ટીમો સર્વેની કામગીરી કરી છે. ખેડૂતોનું કહેવુ છે કે, નુકસાનીનો અંદાજ મેળવવા માટેની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. સર્વેના રિપોર્ટ આધારે રાહત પેકેજને આખરી ઓપ આપવામાં આવશે. સૂત્રોના મતે, આ વખતે ઇનપુટ લોસ-પ્રોડેક્શન લોસનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત નિયમાનુસાર ખેડૂતોને સહાય આપવાની સાથે સાથે જમીન ધોવાણ માટે પણ સહાય મળે તેવી વિચારણા છે. એવું જાણવા મળ્યુ છે કે, ઓક્ટોબરના બીજા સપ્તાહમાં રાજ્ય સરકાર ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર કરી શકે છે.


Google NewsGoogle News