અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદનો કહેર, ખેડૂતોના પાકને ભારે નુકસાન
Heavy Rains In Amreli : રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. જેમાં ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી.
અમરેલી પંથકના ગામોમાં ભારે વરસાદ
અમરેલી પંથકના બાબાપુર, સરંભડા, ગાવડકા, થોરડી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો. વિજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ તૂટી પડતાં ખેડૂતો મુંઝાયા. જ્યારે બગસરા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના મગફળી સહિતના પાકો પાણીના પ્રવાહમાં તણાયા. બગસરા પંથકમાં ભારે વરસાદને પગલે ખેડૂતોના ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ખાંભામાં મુશળધાર વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયા
ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જેમાં ખાંભાના ઉપરવાસના પીપળવા, ગીદરડી, ઉમરીયા, લાસા, ભાણીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ. ખાંભા ગીરના મોટા સરાકડીયા રાયડી, નેસડી હનુમાનપુર, તાલડા સહિત ગામોમાં સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે ખેડૂતોના મગફળી, સોયાબીન, તલના પાકને મોટાપાયે નુકાસન થયું.
લીલીયામાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકસાન
લીલીયા સહિત આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. આજે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા અસહ્ય બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લીલીયા પંથક ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે. જેમાં ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ, કઠોળ સહિતના પાકોને નુકશાન પહોંચ્યું.
વડીયા, મોરવાડા, ખડખડ, ખાખરીયા સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરમાં મગફળીના પાથરાઓ તણાયા છે. સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જેમાં તાલુકાના ગાધકડા અને રામગઢમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકોને મોટાપાયે નુકસાન થયું.
અમરેલી જિલ્લામાં પડી રહેલા વરસાદથી ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થયું છે. કુકાવાવ પંથકમાં ગઇ કાલે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું. જીથુડી ગામમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા. જેમાં જીથુડી ગામના ખેડૂત ભાવેશભાઈની 15 વિઘાની મગફળી પર પાણી ફરી વળ્યું.