કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે અબડાસાનું આખું ગામ બેટમાં ફેરવાયું, માંડવીની પાલિકાની ઓફિસ પાણીમાં

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
Heavy Rains In Kutch and Saurashtra


Heavy Rains In Kutch and Saurashtra : અનરાધાર વરસાદના લીધે ગુજરાતના અમુક વિસ્તારની હાલત કપરી બની છે, ત્યારે રાજ્યમાં વાવાઝોડાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલા ભારે દબાણની સ્થિતિને જોતાં 12 કલાકમાં ઉત્તર-પૂર્વી અરબ સાગરમાં વાવાઝોડાની આશંકા વ્યકત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં આજે (30 ઑગસ્ટે) પણ ભારે વરસાદની સંભાવના છે, ત્યારે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અબડાસામાં ધોધમાર વરસાદને પગલે લાલા ગામ બેટમાં ફેરવાયું છે. જ્યારે માંડવીમાં ભારે પવન ફૂંકાવવાની સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 

આ પણ વાંચો : સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં થશે મેઘતાંડવ, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અબડાસાનું લાલા ગામ બેટમાં ફેરવાયું

રાજ્યમાં મંડરાયેલા વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવવાની સાથે સૌરાષ્ટ્ર સહિત કચ્છના તમામ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અબડાસામાં ધોધમાર વરસાદને પગલે લાલા ગામ બેટમાં ફેરવાયું છે. જેમાં આખા ગામમાં કમર સુધીના પાણી ભરાયા હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

માંડવી ધોધમાર વરસાદ, નગરપાલિકામાં બિલ્ડિંગ પાણીમાં ગરકાવ

કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે માંડવીમાં ભારે પવન ફૂંકાવવાની સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે,  ત્યારે ભારે વરસાદને કારણે નગરપાલિકાનું બિલ્ડિંગ પાણીમાં ગરકાવ થયું છે. તેવામાં નગરપાલિકાના પાર્કિંગ સહિત મુખ્ય રોડમાં પાણી ભરાતા પાલિકા પાસેની બજારની તમામ દુકાનોમાં પાણી ફરી વળતાં લોકોને ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચો : વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરી ગયાને પાંચ દિવસ થયા છતાં પીવાના પાણીના ધાંધિયા

આજે (30 ઑગસ્ટે) આ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ

આજે (30 ઑગસ્ટે) કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છના માંડવીમાં 388 મિ.મી., મુંદ્રામાં 217 મિ.મી., અબડાસામાં 162 મિ.મી., અંજારમાં 80 મિ.મી., ગાંધીધામમાં 65 મિ.મી., ભુજમાં 62 મિ.મી., લખપતમાં 53 મિ.મી., નખત્રાણામાં 43 મિ.મી. અને ભચાઉમાં 42 મિ.મી., દેવભૂમિ દ્વારકામાં 186 મિ.મી., જૂનાગઢના ભેસાણમાં 47 મિ.મી., રાજકોટના લોધિકામાં 44 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના અન્ય 123 તાલુકામાં 1થી 10 મિ.મી. સુધીમાં વરસાદ ખાબક્યો છે.

કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે અબડાસાનું આખું ગામ બેટમાં ફેરવાયું, માંડવીની પાલિકાની ઓફિસ પાણીમાં 2 - image

કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે અબડાસાનું આખું ગામ બેટમાં ફેરવાયું, માંડવીની પાલિકાની ઓફિસ પાણીમાં 3 - image

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું પાકિસ્તાન તરફ આગળ ફંટાશે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : 15 ઈંચ વરસાદ બાદ ફરી માંડવીમાં વરસાદી રાઉન્ડ શરૂ, અસના વાવાઝોડાની ઈફેક્ટ, અંધારપટ છવાયો

કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું!

કચ્છ-સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનું જોખમ મંડરાઇ રહ્યું છે, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદની આગાહી છે. ડિપ્રેશન વધારે મજબુત થતા દરિયાકાંઠાના વિસ્તારોમાં 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. ગઈ કાલની (29 ઑગસ્ટ) સાંજ દરમિયાન કચ્છના ભૂજથી 70 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને નલિયાથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને કરાચીથી 250 કિલોમીરટના અંતરે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં 55થી 65 અને 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.

અરબ સાગરથી આવી રહ્યું છે 'અસના' નામનું વાવાઝોડું

જો કે હવામાન વિભાગ અનુસાર અરબ સાગરમાં 'અસના' નામનું ચક્રવાત બનવા જઈ રહ્યું છે, 1976 બાદ આ પ્રકારનું પ્રથમ ચક્રવાત હશે. હવામાન વિભાગના અનુસાર ચક્રવાત ઉત્તર-પૂર્વી અરબ સાગરમાં ઉત્પન્ન થશે. ડીપ ડિપ્રેશન ગુજરાતમાં પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ પ્રવેશ કરી ચૂક્યું છે અને હવે ચક્રવાતમાં બદલાવની આશા છે. તે કચ્છ તટેથી આગળ વધ્યા બાદ ઉત્તર-પૂર્વી અરબ સાગરમાં પાકિસ્તાન તરફ આગળ વધવાની પણ સંભાવના છે. 

કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે અબડાસાનું આખું ગામ બેટમાં ફેરવાયું, માંડવીની પાલિકાની ઓફિસ પાણીમાં 4 - image


Google NewsGoogle News