ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ગલકુંડ વિસ્તારમાં વાદળ ફાટતા ખાપરી નદીમાં ઘોડાપુર આવ્યું
Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી છે. ત્યારે ગઈકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા છે તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. તે મુજબ આજે ડાંગના આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગલકુંડ વિસ્તારમાં તો આભ ફાટ્યું છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ડાંગ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે. ડાંગમાં વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું. નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂરના પાણી ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. ઉલ્લેખનીય છે ડાંગ ઉપરાંત નવસારીમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.
અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો
અમદાવાદમાં ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે ગુરુવાર સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જોકે સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી.