દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, વલસાડ-વાપીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા
Gujarat Rain : ગુજરાતમાં ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે આજે (22 જૂન) વહેલી સવારથી જ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત રાજ્યમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલભીપુરમાં નોંધાયો છે. વલસાડ ઉપરાંત સુરત, વાપી, ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
વલસાડના અનેક ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડ જિલ્લાના મોટા ભાગના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ ભારે પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના પારડીસાંઢાપોર, ગુંદલાવ, કલવાડા, સરોણસહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
શુક્રવારે ભાવનગરમાં વરસાદ વરસ્યો હતો
વલસાડ જિલ્લાના ગામોમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. તો ઠેર-ઠેર ટ્રાફિક જામ પણ થયો હતો. ઉલ્લેખનીય છે કે શુક્રવારે (21 જૂન) ભાવનગરમાં રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
આજે આ જિલ્લામાં વરસાદની સંભાવના
રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુરમાં 37 મિ.મી નોંધાયો છે. આ ઉપરાંત નવસારી, બોટાદ, આણંદ, છોટા ઉદેપુર, અમરેલી સહિતના જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વાપીમાં પોણા બે ઇંચ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અને વલસાડમાં વરસાદની સંભાવના છે.