Get The App

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, વડોદરામાં સ્કૂલ-કોલેજોમાં રજા, સુરતના ઉમરપાડામાં 11 ઈંચ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, વડોદરામાં સ્કૂલ-કોલેજોમાં રજા, સુરતના ઉમરપાડામાં 11 ઈંચ 1 - image


Heavy Rain in Gujarat : હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે કરવામાં આવી હતી ત્યારે આજે 24 જુલાઇએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી હતી. મધ્ય ગુજરાતના બોરસદમાં 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સરેરાશ એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની 17 ફૂટની સપાટીથી ઉપર વહી રહી છે. કેટલાક સ્થળે તો પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં અહીં સ્કૂલ-કોલેજોમાં આવતીકાલે 25 જુલાઈએ રજા જાહેર કરાઈ છે. 

બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં 8 ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં 8-8 ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 7 ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.


વડોદરા-ભરૂચમાં શાળાઓ બંધ
ભારે વરસાદના પગલે જિલ્લા શિક્ષણ કચેરી વડોદરા દ્વારા અતિ ભારે વરસાદના પગલે શહેરમાં પાણી ભરાઇ જવાના કારણે રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે હવામાન વિભાગન દ્વારા જાહેર કરવામાં એલર્ટના ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગ રૂપે 24 જુલાઈ 2024ના બુધવારના રોજ આમોદ, જંબુસર, વાગરા સિવાય તમામ તાલુકાની શાળાઓ-કોલેજો અને આંગણવાડીઓમાં શિક્ષણકાર્ય બંધ રહેશે અથવા તો ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે. 

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, વડોદરામાં સ્કૂલ-કોલેજોમાં રજા, સુરતના ઉમરપાડામાં 11 ઈંચ 2 - image

આ પણ વાંચો : બોરસદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર        

સુરતમાં જનજીવન ખોરવાયું, ખાડીના પાણી ઘરોમાં ઘૂસ્યા

સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સુરતીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના ખાડી કિનારાના રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, વડોદરામાં સ્કૂલ-કોલેજોમાં રજા, સુરતના ઉમરપાડામાં 11 ઈંચ 3 - image

સુરત જિલ્લામાં વહેલી સવારથી જ પડી રહેલા વરસાદના કારણે સીમાડા તથા ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને અન્ય ખાડીઓ પણ બન્ને કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ખાડી કિનારાનાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. આ ઉપરાંત બે ખાડી ઓવરફ્લો થતા અનેક રોડ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી પડી રહી છે. 

આ પણ વાંચો : વડોદરામાં ભારે વરસાદના પગલે સ્કૂલોમાં અફરા-તફરી, વાલીઓ દોડ્યા, બાળકો રસ્તામાં અટવાયા

વડોદરામાં સવારથી અવિરત વરસાદ

વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. આજે છેલ્લા 8 કલાકમાં વડોદરા શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જિલ્લાની વાત કરીએ તો સિનોર તાલુકામાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લાના સાવલી તાલુકામાં 11, વાઘોડિયામાં 8, ડભોઇ 16, પાદરા 57, કરજણમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, વડોદરા શહેરમાં ચાર કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘરાજાની જમાવટ

ભરૂચ શહેર અને જિલ્લામાં મંગળવાર રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના લીધે શહેરના વિવિધ વિસ્તારો વરસાદી પાણીમાં જળમગ્ન બન્યા છે. ભરૂચના ગાયત્રી મંદિર, એશિયાડ નગર, નિરાંત નગર સહિત દીવા રોડ પર આવેલી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. શહેરના મુખ્ય માર્ગો પર બેટ જેવી સ્થિતિ સર્જાઇ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 5 ઇંચ, અંકલેશ્વરમાં 5 ઇંચ, હાંસોટમાં 5 ઇંચ, વાલિયા અને વાગરામાં 4 ઇંચ, જંબુસરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

સિઝનનો 48 ટકા વરસાદ નોધાયો, સૌથી વધુ કચ્છ ઝોનમાં

સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાત અને  પૂર્વ-મધ્ય ગુજરાતમાં 25 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. જ્યારે વાસંદા, માંગરોળ, નવસારી, સુરત શહેર, જોડિયા, માંડવી-કચ્છ, મહુવા, ડાંગ-આહવા, મુન્દ્રા, ડોલવણ, મળીને કુલ 10 તાલુકામાં છ-છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જલાલપોર, સોનગઢ, સુબીર, નખત્રાણા, સાગબારા અને કેશોદ મળીને કુલ છ તાલુકામાં પાંચ-પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો : ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ, જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટનામાં ત્રણ મોત

આ ઉપરાંત ભાણવડ, ગણદેવી, ચીખલી, માંડવી, ચોર્યાસી, રાપર, ધોરાજી, વલસાડ, વાલોદ, ધરમપુર મળીને કુલ 10 તાલુકામાં ચાર-ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. બગસારા, અંજાર, ધોળકા, વંથલી, વાલિયા, તલાલા, માણાવદર, કપરાડા, ઝગડિયા, લખપત, કોડીનાર અને જામજોધપુર મળીને કુલ 12 તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે માંગરોળ, જૂનાગઢ, જૂનાગઢ શહેર, પાટણ-વેરાવળ, ખંભાળિયા, જામનગર, જેતપુર, ગીર ગઢડા, દેડિયાપાડા, વાપી, ઉપલેટા, કલ્યાણપુર અને સૂત્રાપાડા મળીને કુલ 13 તાલુકામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ, મેઘરજ, કુકાવાવ વાડિયા, રાજુલા, ઓલપાડ, થાનગઢ, નેત્રંગ, દસક્રોઈ, લાલપુર, ભાભર, અંકલેશ્વર, મહુવા – ભાવનગર, ઉના અને ટંકારા મળીને કુલ 14 તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ઉમરગામ, મહેમદાવાદ, ભૂજ, લાખાણી, પોરબંદર, ભરૂચ, કુતિયાણા, જાફરાબાદ, કાલાવડ, અને ધ્રોલ મળીને કુલ 10 તાલુકાઓમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ, ધારી, ગોંડલ, સુઈગામ, દેત્રોજ-રામપુરા, બાવળા, શંખેશ્વર, અમરેલી, મૂળી, સિદ્ધપુર, અબડાસા, મોરબી, આંકલાવ, મહુધા, વઢવાણ, સાયલા, માળિયા, ધાનેરા, બાયડ, વસો અને બોરસદ મળીને કુલ 21 તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. 


Google NewsGoogle News