Video : વડોદરામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ, ફરી પૂરનું જોખમ, શાળાઓમાં રજા જાહેર
Heavy Rain Vadodara : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે નદી-નાળા છલકાય છે અને અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરમાં વહેલી સવારથી બપોરના ચાર વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરામાં પૂરની સ્થિતિ, મ્યુનિસિપલ કમિશનરે વીડિયો જાહેર કર્યો
વડોદરા શહેરમાં સવારથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે, ત્યારે શહેરમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે આજવા સરોવરમાં પાણીની આવક વધતાં વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા વાસીઓ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે, બીજી તરફ વરસાદ અટકવાનું નામ લેતો નથી. આ દરમિયાન વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં વડોદરાની સ્થિતિ વધારે ગંભીર બને તેવી શક્યતા છે. હાલના તબક્કે કાલાઘોડા બ્રિજ ખાતે સાંજે 5:00 વાગે વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ નોંધાઈ છે, જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થાળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે એક વીડિયો જાહેર કરીને વડોદરામાં પૂરની ગંભીર સ્થિતિ હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો : VIDEO: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વલસાડમાં પૂરનો ખતરો, ઓરંગા નદી ભયજનક સપાટીએ, ચોતરફ જળબંબાકાર
વ઼ડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં
રામેશ્વર નગર, ઝાંસી રાણી સર્કલ વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા છે, જ્યારે સુભાનપુરા ઝાંસીની રાણી સ્ટેચ્યુ નજીક ભગીરથ સોસાયટી, ઘરો અને દુકાનમાં પાણી વળ્યાં છે. પશ્ચિમ વિસ્તારમાં મેયરના વોર્ડ સહિત ડી માર્ટથી ખોડીયાર નગર વાળા રોડ પર નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. ભારે વરસાદી માહોલ વચ્ચે વડોદરા શહેરમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
પૂરની સ્થિતિને કારણે શહેરની શાળામાં જાહેર રજા
વડોદરા શહેર જળબંબાકાર બની ગયું છે અને શહેરના મોટાભાગના વિસ્તારો પાણી ભરાયા છે, ત્યારે વડોદરા ડીઇઓ દ્વારા આવતીકાલે (27 ઑગસ્ટ) પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
શહેરની નદી અને ડેમ છલકાયા
વડોદરા શહેરમાં સવારના આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં 213.50 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે આજવા સરોવરો ઓવરફ્લો થઈને 214.40 ફૂટ, તાપપૂરા 232.80 ફૂટ, વિશ્વામિત્રી નદી 28.40 ફૂટ, અશોજ ફિડર 8.7 ફૂટ સપાટીએ પાણ પહોંચ્યું છે.