રાજકોટમાં તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા, ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો પાક પલળ્યો
Rain In Rajkot : રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. રાજકોટ શહેરની સાથે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે રાજકોટના અનેક વિસ્તારમાં પાણી ભરાયા.
શહેરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. 150 ફૂટ રિંગ રોડ, એઅ.જી ચોક, કાલાવડ રોડ, પુષ્કરધામ રોડ પાણી પાણી થયા. તો રિંગ રોડ અને યાજ્ઞિક રોડ પર સૌથી વધુ પાણી ભરાયા. તો સૌથી વ્યસ્ત રહેતા માધાપર ચોકડથી ગોંડલ ચોકડી સુધીનો રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા.
આ પણ વાંચો : જામનગરમાં PGVCLની મોટી કાર્યવાહી, એક સાથે 50 ઘરોમાંથી વીજ ચોરી ઝડપાઈ
રાજકોટ મનપા રાજાપાટમાં-પ્રજા પરેશાન
રાજકોટમાં અનેક રજૂઆત છતાં વર્ષોની સમસ્યાનો કોઈ હલ નથી આવ્યો. દર વર્ષે જ્યાં પાણી ભરાય છે તે જગ્યાએ હજુ આજે પણ નજીવા વરસાદમાં પાણી ભરાય છે. કોર્પોરેશનના વાયદા પોકળ સાબિત થયા છે. વરસાદ જતા જતા પણ રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખોલતો ગયો. અનેક રોડ પર એકથી દોઢ ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા.
આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લામાં વહેલી સવારથી મેઘસવારી, જગતનો તાત ચિંતિત, નદીઓમાં ઘોડાપુર સર્જાયું
અચાનક તૂટી પડેલા વરસાદથી વેપારીઓ અને સ્થાનિકોને હાલાકી પડી. એક તરફ રવિવાર હોવાથી લોકો દિવાળીની ખરીદી કરવા નીકળ્યા હતા, પરંતુ વરસાદને કારણે લોકો ફસાઈ ગયા. બીજી તરફ વરસાદને કારણે વેપારીઓના ધંધા રોજગારને પણ અસર પડી.
જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ
શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પાછોતરા વરસાદના કારણે મગફળી, સોયાબીન સહિતના અનેક પાકને નુકસાન થયું છે. જિલ્લાના લોધિકા પડધરી, ગોંડલ સહિતના પંથકના ખેડૂતોનો પાક પલળી જતા તેમના માટે વરસાદ વેરી બન્યો છે.