VIDEO: મેઘરાજાએ સૌરાષ્ટ્રને કર્યું જળબંબાકાર, ભાદર-2 ડેમ છલકાયો, ઘેડ પંથકમાં હાઈ એલર્ટ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
Heavy Rain In Porbandar


Heavy Rain In Porbandar: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનરાધાર વરસાદને કારણે પોરબંદરના ઘેડ પંથકના 19 ગામો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ 100 ટકા ભરાઈ જતા, તેનું પાણી ઘેડ પંથકમાં આવે છે. જેના પગલે તંત્ર દ્વારા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબીના 21 ગામોને એલર્ટ કરાયા

મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે.  ભારે વરસદાને પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો વધુ એક ફૂટ ખોલાયો છે. અત્યાર સુધીમાં કુલ બે ફૂટ દરવાજો ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં મચ્છુ ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જાવક છે. જેથી મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા છે. 

રામતલિયા નદીમાં આવ્યું ધોડાપૂર

આજે વહેલી સવારથી જ અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભામાં પવન સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ, વિકટર, કુંભારીયા, દેવકા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે મોરંગી ગામની રામતલિયા નદીમાં ધોડાપૂર આવ્યું છે.

આ પણ વાંચોં: ગુજરાતમાં અવિરત મેઘમહેર, ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર


મેઘરાજાએ સૌરાષ્ટ્રને જળબંબાકાર કર્યું

આ ઉપરાંત દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત ભારે વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ પંથકમા૨થી 8 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી, ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર પર સોમવારે જળધોધ વરસાવીને મેઘરાજાએ જળબંબાકાર કર્યું હતું.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને 14 ટકા થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે (બીજી  જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ,  મહેસાણા, સાબરકાંઠા,  ગાંધીનગર, અરવલ્લી, ખેડા,  અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. 

VIDEO: મેઘરાજાએ સૌરાષ્ટ્રને કર્યું જળબંબાકાર, ભાદર-2 ડેમ છલકાયો, ઘેડ પંથકમાં હાઈ એલર્ટ 2 - image

.


Google NewsGoogle News