આગાહી વચ્ચે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું, મહેસાણામાં હાઇવે પર પાણી ફરી વળ્યા
Heavy Rain In North Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત પહોંચી છે. આજે (પાંચમી સપ્ટેમ્બર) સવારથી જ બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના વિજાપુરમાં 2.16 ઇંચ, મહેસાણામાં 1.57 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.41 ઇંચ અને બનાસકાંઠાના ડીસામાં 1.37 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના માણસામાં 1.30 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.22 ઇંચ અને ધનસુરામાં 1.10 ઇંચ, પોશીનામાં 1.06 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મહેસાણા હાઇવેના અંડરપાસમાં પાણી ભરાયા હતા અને શોપિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાયા હતા.
અહીં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો
સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી, તલોદ, વિજયનગર, ઇડર, હિંમતનગર, મહીસાગરના કડાણા, અરવલ્લીના મેઘરજ, માલપુર, મહેસાણાના જોટાણા, સાંતલપુર, કડી, વિસનગર, ખેરાલુ, પાટણના હારીજ, સિદ્ધપુર, પાટણ શહેર, બનાસકાંઠાના લાખણી, પાલનપુર, દાંતા, વડગામમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
બપોરે 12:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધીના લેટેસ્ટ આંકડા
મહેસાણાની કાવેરી શાળામાં પાણી ભરાયા
ભારે વરસાદના કારણે મહેસાણા શહેરમાં આવેલી કાવેરી શાળામાં પાણી ભરાતાં અફરાતફરી મચી હતી. તાત્કાલિક ધોરણે શાળાના બાળકો અને શિક્ષકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. શાળાની દીવાલ કુદાવીને તમામને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા. બીજી તરફ પાલનપુર પંથકમાં પણ ભારે વરસાદ વરસતાં શહેર અને પંથકના અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. અમદાવાદ-પાલનપુર હાઇવે પર પણ વરસાદી પાણી ભરાતાં લોકોની હાલાકી વધી છે.
ભારે વરસાદ વરસાદના પગલે મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ 63.09 ટકા ભરાયો છે. ડેમમાં પાણીની આવક હાલમાં 11667 ક્યુસેક છે. ડેમની હાલની પાણીની સપાટી 611.46 ફૂટ (186.376 મીટર) પહોંચી છે.
આ પણ વાંચો: સુરતમાં ગણેશજીની સ્થાપનાનો વિવાદ : સાંસદના ઘરે નારેબાજી, 'ગણપતિ બાપ્પા મોરિયા, હમારી માંગે પૂરી કરો...'
મહેસાણાના વિજાપુરમાં પણ આજે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા હતા અને ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જ્યારે કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. વરસાદના કારણે પાલનપુર-અંબાજી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. પાલનપુર-અંબાજી માર્ગ પર આવેલા વીરપુર પાટિયા પાસે પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી સપ્ટેમ્બર) બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છના અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છઠ્ઠી સપ્ટેમ્બર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
સાતમીથી આઠમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના જિલ્લા નવસારી, વલસાડ, બનાસકાંઠા, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે નવમી સપ્ટેમ્બરે વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.