Get The App

નવસારીમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ, પૂર્ણા નદી ભયજનક સપાટીએ

નવસારીમાં એક NDRFની ટીમને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી

આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

Updated: Jul 28th, 2023


Google NewsGoogle News
નવસારીમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ, પૂર્ણા નદી ભયજનક સપાટીએ 1 - image


રાજ્યમાં વરસાદના ચોથા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતને ફરી એકવાર વરસાદે ઘમરોળતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા સુરત, નવસારી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. આ સાથે જ પૂર્ણા નદી અને ઔરંગા નદીનું જળસ્તર વધ્યું છે. નવસારીમાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે.

નવસારીમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ, પૂર્ણા નદી ભયજનક સપાટીએ 2 - image

નવસારીમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ, પૂર્ણા નદી ભયજનક સપાટીએ 3 - image

નવસારીમાં છ કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેની અસર સુરત, નવસારી, તાપી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં જોવા મળી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 139 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા સુરતના મહુવામાં 11 ઈંચ જ્યારે નવસારીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેમા નવસારી તાલુકમાં રાત્રે છ કલાકમાં જ 11 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ડાંગના સુબીર અને વલસાડના કપરાડા તાલુકામાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદને પગલે હાઈવે પર પાણી ફરી વળ્યા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે હાઈવે પર પણ પાણી ફરી વળ્યા હતા તેમજ નવસારીમાં એક NDRFની ટીમને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચવા આપવામાં આવી છે. નવસારીમાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે તેમજ પૂર્ણા નદી ભયજનક સપાટીથી 1 મીટર દૂર છે ત્યારે નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક થતા ડેમના 10 દરવાજા 4 મીટર ખોલવામાં આવ્યા. ડેમનું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે દમણગંગા નદી બન્ને કાંઠે વહી રહી છે. પ્રશાસન દ્વારા સાવચેતીના ભાગરૂપે સેલવાસ-ભિલાડ નેશનલ હાઇવેને જોડતો પુલ પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, નવસારી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂકાશે તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


Google NewsGoogle News