જૂનાગઢ જિલ્લામાં વરસાદે સર્જી તારાજી, દામોદર કુંડમાં ઘોડાપૂર, માણાવદરમાં સૌથી વધુ 16 ઈંચ
Heavy Rain In Junagadh: ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં 15 ઈંચ વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં ભારે વરસાદને પગલે 50 રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે. આજે જૂનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 15 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વંથલીમાં 14 ઈંચ, વિસાવદરમાં 13.5 ઈંચ, કેશોદમાં 10 ઈંચ, મેંદરડામાં 7.5 ઈંચ, માળિયા હાટીના, ભેંસાણમાં 6.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, 'કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.'
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફટકાબાજી: ચીખલીમાં સૌથી વધુ, ઓલપાડમાં NDRFની ટીમ તહેનાત
માણાવદરનો રસાલા ડેમ ઓવર ફ્લો થયો
માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસાલા ડેમ પણ પ્રથમ વરસાદે જ ઓવર ફ્લો થઈ ગયો છે. જ્યારે માણાવદરના ગોકુળ નગર, અમૃત નગર, ગીરીરાજ સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું
ગિરનારમાં વધુ વરસાદ પડતા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું. સોમવારે મોડી રાતથી જ પડેલા વરસાદના કારણે સોનરખ નદી ગાંડતૂર થઈ હતી. નદી નાડાઓ છલકાયા તો ગિરનાર નજીક આવેલો વિલીનગ્ડંન ડેમ છલકાયો હતો. બીજીતરફ મુશળધાર વરસાદ વચ્ચે પણ યાત્રાળુઓને ગિરનાર પર્વત પહોંચ્યા હતા.
ત્રણ ડેમ ઓવર ફ્લો થયા
જૂનાગઢ જિલ્લામાં 17 જેટલા ડેમો આવેલા છે. વધુ વરસાદના કારણે ત્રણ ડેમ ઓવર ફ્લો થયા છે. જેમાં ઓઝત વિયર, આણંદપુર, શાપુર અને ઉબેણ નદી પરના ડેમ ઓવર ફ્લો થયા છે.
હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને 14 ટકા થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે (બીજી જુલાઈ) જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર
જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
આગામી 5 દિવસ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ તાપી સુરેન્દ્રનગર જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે વરસાદ પડશે.
.