ગાંધીનગર જિલ્લામાં પરોઢીયે મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌથી વધુ માણસામાં 3 ઈંચ વરસાદ
Heavy Rain In Gandhinagar: ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની સિઝન આક્રમક બની હોય તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. બે દિવસથી જિલ્લામાં મેઘરાજા મહેર કરી રહ્યા છે. ત્યારે આજે (છઠ્ઠી સપ્ટેમ્બર) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગાંધીનગરના માણસા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દહેગામમાં 2.83 ઈંચ અને ખેડાના કપડવંજમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા નગરજનોએ પણ રાહત મેળવી છે.
ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ
ગુરુવારે (પાંચમી સપ્ટેમ્બર) સમગ્ર ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. માણસા પંથકમાં દિવસ દરમિયાન 4 ઈંચ તો દહેગામ તાલુકામાં 15 મિ.મી અને કલોલમાં 19 મિ.મી અને ગાંધીનગર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો હોય તેવા વાતાવરણ વચ્ચે લોકોએ ઉકળાટમાંથી રાહત મેળવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોડ, જાણો ક્યાં કેટલો વરસ્યો
સતત પડી રહેલા વરસાદના કારણે ગાંધીનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો ગ્રામજનોને કરવો પડી રહ્યો છે. તો નિચાણવાળા ઘણા વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા છે.
શાળાઓમાં પાણી ઘુસતા શિક્ષણ ઉપર અસર
માણસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સોલૈયા ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા તો શાળામાં પણ પાણી ઘૂસી જતા બાળકોને તકલીફ પડી હતી. આ ઉપરાંત ગામમાંથી પસાર થતાં વાહનો અને ગ્રામજનોને અવરજવર મુશ્કેલ બની હતી. ઈટાદરા ગામમાં પણ ગામની વચ્ચે આવેલ પંચાયત કચેરી, સ્કૂલની સામે પાણી ભરાતા બાળકોના અભ્યાસ પર અસર થઈ હતી.
હવામાન વિભાગની આગાહી
રાજ્ય પર હાલ બે સિસ્ટમ સક્રિય થતા આજે (છઠ્ઠી સપ્ટેમ્બર) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.