Get The App

દ્રારકામાં બારે મેઘ ખાંગા, 30 કલાકમાં 22 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
દ્રારકામાં બારે મેઘ ખાંગા, 30 કલાકમાં 22 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું 1 - image


Heavy Rain Dwaraka : પોરબંદર બાદ દ્વારકામાં ગઈકાલે બપોર બાદ ચાર કલાકમાં 14 ઇંચ વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ ગતરાત્રિના અને આજે બપોરે તારીખ 20 ના બપોરના 12:00 વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદ યાત્રાધામ દ્વારકા માં વરસી રહ્યો છે. આજે સાતથી આઠ ઈંચ વરસાદ ખાબક્યો હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. છેલ્લા 30 કલાકમાં 22 ઇંચ વરસાદથી દ્વારકા જળબંબાકાર બની ગયું છે.

આમ ગઈકાલ (19 જૂલાઇ)  બપોરે ત્રણ વાગે શરૂ થયેલા વરસાદથી દ્વારકા શહેરના 40,000 રહેવાસીઓનું જનજીવન ખોરવાઈ ગયુ છે.  સમગ્ર શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા માર્ગોમાં કેડસમા પાણી ફરી વળ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજરોજ સવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી. 

આજે સવારથી પાણી ભરાઈ જવાથી દ્વારકાનો ભદ્રકાલી ચોકમાં આવેલી વિવિધ બેંકોમાં પાણી ઘૂસી ગયા છે.  દ્વારકાના માર્ગો પર કેડસમા પાણી ભરાઈ જવાના કારણે બેંકના કર્મચારીઓ પહોંચી શક્યા નથી અને બેંકોની યાંત્રિક મશીનરી પણ થપ્પ થઈ ગઈ છે. આ ઉપરાંત આ માર્ગ ઉપર આવેલી એક સો જેટલી દુકાનો અને 15 થી 20 જેટલી હોટલ-રેસ્ટોરન્ટને પણ અસર થઈ છે. 

તો બીજી તરફ શહેરમાં પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટે દ્વારકા વાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં આજે સવારથી જ ભારે વરસાદના કારણે મર્યાદિત યાત્રિકો જોવા મળ્યા છે. મંદિરના વારાદર પૂજારી શાંતિલાલભાઈ ઠાકોરજીનો નિત્યક્રમની સેવા જાળવી રાખી છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં આવેલા 16 મંદિરોમાં પણ સેવા પૂજાનો ક્રમ જાળવી રાખ્યો છે. દ્વારકાધીશના ધજાજીનું આવરણ ધોજાજી દંડ ઉપર અડધી કાઠીએ ફરકાવારી હતી. 

કલ્યાણપુરમાં 18 ઈંચ વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ કલ્યાણપુર તાલુકામાં નોંધાયો છે. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદના લીધે અનેક ગામોના માર્ગ બંધ થઇ જતાં સંપર્ક વિહોણા બની ગયા છે. 

જાણો રાજ્યના ડેમની સ્થિતિ

આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 42.09 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 39.86 ટકા,મધ્ય ગુજરાતના 17માં  36.37, કચ્છના 20માં 28.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.60 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.


Google NewsGoogle News