અંબાજીમાં ધોધમાર વરસાદ: પગપાળા નીકળેલા ભક્તોએ ચાલુ વરસાદમાં લગાવ્યા બોલ મારી અંબેના નાદ
Ambaji heavy Rain : લાંબા સમયના વિરામ બાદ અંબાજીમાં ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. સપ્ટેમ્બર મહિનાની હવામાનની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ દાંતા તાલુકાના અનેક પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
શ્રદ્ધાળુઓ થયાં પરેશાન
ભાદરવી પૂનમનો મેળો નજીક આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંઘ લઈને મા અંબાના દર્શન માટે જતાં હોય છે, ત્યારે ભારે વરસાદના કારણે દર્શન માટે પહોંચેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી વરસી રહેલાં વરસાદથી નાના-બાળકોથી લઈને વડીલો સુધી દર્શન માટે પગપાળા ચાલી રહેલાં લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. સતત પડી રહેલાં વરસાદના કારણે સંઘ સાથે લીધેલો ઘણો સામાન પલળી જતાં નુકસાન પણ થયું હતું. જોકે, ઘણાં ભક્તોએ માતાજી પર શ્રદ્ધા રાખીને બોલ મારી અંબેના નાદ સાથે વરસાદમાં પણ યાત્રા શરૂ રાખી હતી, તો ઘણાં શ્રદ્ધાળુઓ સુરક્ષિત જગ્યા શોધીને વરસાદમાં પોતાને સુરક્ષિત જગ્યાએ ગોઠવી વરસાદ ઓછો થતાં યાત્રા આગળ વધારી હતી.
ભારે વરસાદના કારણે અંબાજીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે. અંબાજીના સર્કલથી લઈને VIP માર્ગ સુધી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય અંબાજીના આસપાસના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરપાડામાં 6 કલાકમાં સાડા 10 ઈંચ વરસાદ, જળબંબાકારની સ્થિતિ
દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ
દક્ષિણ ગુજરાતમાં આજે (10મી સપ્ટેમ્બર) વરસાદે ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના ઉમરપાડામાં છેલ્લા 6 કલાકમાં ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટા ભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
આ જિલ્લાઓને કરાયા એલર્ટ
હવામાન વિભાગે સાત દિવસની વરસાદની આગાહી કરી હતી. જેમાં આજે દક્ષિણ ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંદ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને વડોદરામાં છૂટાછવાયા વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંત સુધી પછી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે, 'એટમોસ્ફેરિક વેવ મજબૂત થતાં 10 મી સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વચ્ચે ખેતરમાં પાણીનો ભરાવો ન થાય તે માટે ધ્યાન દોર્યું હતું.'