દિવાળી ઉજવીને જશે મેઘરાજા? રાજ્યના 29 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain : રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 22 ઑક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આવતી કાલે (17 ઑક્ટોબરે) સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આવતી કાલે આ જિલ્લામાં પડશે વરસાદ
17 ઑક્ટોબરે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ગીર સોમનાથ સહિત છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
18થી 20 ઑક્ટોબરની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 18થી 20 ઑક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે 21-22 ઑક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યના 29 તાલુકામાં વરસાદ ખાબક્યો
અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક સર્જાયેલી અસ્થિરતાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે રાજ્યના 29 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 1.85 ઇંચ, પોરબંદરના રાણાવાવ અને ભરૂચના ઝઘડીયા 1.34 ઇંચ,જૂનાગઢના માળીયા-હાટીના, જૂનાગઢ, જૂનાગઢ સિટીમાં 1.06 ઇંચ, સુરતના માંગ્રોલમાં 1.02 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 22 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.