ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ, દહેગામમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા
Gujarat Heavy Rain: રાજ્યમાં આગામી 28 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે રાજ્યના દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદી માહોલના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે નદી-નાળા છલકાયા છે. રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે અરવલ્લી, મોડાસા, ગાંધીનગર, દહેગામ, બોટાદ, રાણપુર સહિતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે દહેગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, આગામી પાંચ દિવસ મેઘ મહેરની આગાહી
દહેગામ સહિતના તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
રાજ્યમાં લાંબા વિરામ પછી વરસાદે એન્ટ્રી મારી છે, ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે ગાંધીનગરના દહેગામ સહિતના તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં દહેગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં નાંદોલ રોડ, પૂર્ણિમા સ્કૂલ નજીક, નેહરુ ચોકડી, પથિકાશ્રમ, અનુરાધા સોસાયટી, હરિઓમ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં સ્થાનિકોને હાલાકી પડી રહી છે.
મોડાસા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
રાજ્યમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીંટોઈ સહિત માલપુર, મેઘરજ, રેલ્લાવાડા, ઈસરી, જીતપુર , ધનસુરાના શક્તિનગર, જનતાનગર, કંજરી કંપામાં સારો એવો વરસાદ પડ્યો છે. જેમાં મોડાસાના સરડોઈમાં લાંબા સમય પછી વરસાદ ખાબક્યો હોવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને સરડોઈમાં મેઘરાજા મહેરબાન થવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો હતો. બીજી તરફ, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બોટાદ અને રાણપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે બોટાદ અને રાણપુર સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં બોટાદ અને રાણપુર સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોએ હાલાકીનો સામનો કર્યો હતો.
હવામાન વિભાગની આગાહી
24મી ઑગસ્ટે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, નદીઓમાં પૂર, ડેમ છલકાયાં
25મી ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.