ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં છે ઓરેન્જ અને યલો એલર્ટ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
Rain


Heavy Rain In Gujarat : ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે અમરેલી, નવસારી, વલસાડ,  દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ, રાજ્યમાં આજે બપોરના ચાર વાગ્યા સુધી 205 તાલુકામાં અનેક સ્થળે ભારે વરસાદ ખાબક્યો હતો. 

આ પણ વાંચો :  દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદઃ બોરસદમાં 13, ઉમરપાડામાં 11 અને પલસાણામાં 10 ઇંચ

આજે ક્યાં કેટલો વરસાદ નોંધાયો

હવામાન વિભાગ દ્વારા આગામી 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. બીજી તરફ, આજે (24 જુલાઈ) બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરુચમાં 181 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં છે ઓરેન્જ અને યલો એલર્ટ 2 - image

ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં છે ઓરેન્જ અને યલો એલર્ટ 3 - image

વડોદર શહેર અને જિલ્લામાં મેઘમહેર

સવારના 8થી બપોરના 12:00 વાગ્યા સુધી માત્ર ચાર કલાકના સમયગાળામાં વડોદરા શહેરમાં પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જિલ્લાની વાત કરીએ તો સિનોર તાલુકામાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લાના સાવલી તાલુકામાં 11 મીમી વાઘોડિયામાં 8, ડભોઇ 16, પાદરા 57, કરજણમાં 30 મીમી વરસાદ પડ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, વડોદરા શહેરમાં ચાર કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

25-26 જુલાઈની આગાહી

આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આ પણ વાંચો : બોરસદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

સિઝનનો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 44.29 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 66.13 અને કચ્છના વિસ્તારોમાં 58.40 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારસુધીમાં 50 ટકા જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં 24.90 ટકા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિઝનનો 24 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં જળાશયોની સ્થિતિ

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે રાજ્યના કુલ 207 જળાશયોમાંથી 31 જળાશયો સંપૂર્ણ રીતે ભરાઇ ગયા છે. જ્યારે 60 જેટલા જળાશયોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના 28 અને કચ્છ જિલ્લામાં આવેલા ત્રણ જેટલા જળાશયો ઓવરફ્લો થયાં છે. 

ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં છે ઓરેન્જ અને યલો એલર્ટ 4 - image


Google NewsGoogle News