ગુજરાતમાં આગામી સપ્તાહમાં ફરી ભારે વરસાદનું પૂર્વાનુમાન
હજુ સાતમ-આઠમના સુપડાધાર વરસાદની કળ વળી નથી ત્યાં : સમગ્ર દેશમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 93 ટકા વધુ વરસાદ! અને વધુ વરસાદ માટે જાણીતા પૂર્વોતરમાં વરસાદની ખાધ
રાજકોટ, : ક્લાઈમેટ કથળવાની સાથે ગુજરાતમાં લીલા દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. હજુ તા. 25થી ગઈકાલ સુધી અતિશય ભારે વરસાદમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને કળ વળી નથી ત્યારે આગામી સપ્તાહમાં પણ રાજ્યમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન જારી થયું છે.
મૌસમ વિબાગના જારી પખવાડિક પૂર્વાનુમાન અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તા. 2, 3 સપ્ટેમ્બરે છૂટાછવાયા અતિ ભારે વરસાદની, સૌરાષ્ટ્ર-કચ્છમાં તા. 2, 3 સપ્ટેમ્બરે છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉપરાંત, તા. 5થી તા. 11 સપ્ટે.ના સપ્તાહમાં પણ મોન્સૂન ટ્રોફ તેની સામાન્ય સ્થિતિમાં જળવાઈ રહેવાની શક્યતા છે, જેના પગલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ બીજા સપ્તાહમાં પણ અતિશય ભારે વરસાદની શક્યતા છે. એકંદરે વરસાદી ગતિવિધિ આગામી બે સપ્તાહ સુધી ગુજરાત સહિત દેશના પશ્ચિમ કાંઠાના વિસ્તારમાં સામાન્ય કરતા વધુ રહેશે.