પોરબંદરમાં આકાશી આફત વરસી, 14 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા
Gujarat Rain: હવામાન વિભાગ (IMD) દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગરુવારે (18 જુલાઈ) ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને 14 વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સહિત કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો.
કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા
ગુજરાતમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં તો આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં જાણો તમારા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક્યો?
લોકો પોતાના ઘરના ઘાબે જવા મજબૂર બન્યા
ભારે વરસાદના પગલે ઘરો અને દૂકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. કેટલાક વિસ્તારોમાં તો એટલું પાણી ભરાય ગયા હતા કે લોકો પોતાના ઘરના ઘાબે જવા મજબૂર બન્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. તો પાણીના વહેણમાં પશુઓ તણાયા હતા. પોરબંદર ઉપરાતં જુનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ જિલ્લામાં ગુરૂવારે (18 જુલાઈ) સાંજ સુધીમાં 6 થી 7 ઇંચ વરસાદ પડી જતા ધરતી તૃપ્ત થઈ ગઈ હતી. ગીરગઢડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ થતાં મચ્છુન્દ્રી વિયર ડેમ ઓવરફલો થતા લોકોમાં ખુશી વ્યાપી હતી.
તલાલામાં યુવક પૂરના પ્રવાહમાં તણાયો
તાલાલા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગની કારણે હિરણ અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તો ગીરના જંગલમાં આવેલ વાડલા ગીર ગામ વિખુટું પડી ગયું છે. આંકોલવાડી ગીર અને વાડલા ગીર ગામ વચ્ચે આવેલ મોટા વોંકળાના બેઠા પુલમાં પુરના પાણી ફરી વળતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ છે. આ દરમિયાન આંકોલવાડી ગીરથી વાડલા ગીર ગામે મોટરસાયકલ ઉપર જતા સુનિલ મહિડા ઉ.વ. 23 વોંકળામાંથી પસાર થતો હતો, ત્યારે પૂરના પાણીનો પ્રવાહ અચાનક વધી જતા તણાઈ ગયો હતો. જો કે કાંઠે ઉભેલા લોકોએ સુનિલને બચાવી લીધો હતો. પરંતુ મોટરસાયકલ પુરમાં તણાઈ ગઈ હતી.
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદર 14 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ, વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જુનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં મેઘમહેરના સારા પરિણામ, 8થી વધુ ડેમ છલકાયા, જાણો નર્મદા ડેમની કેવી છે સ્થિતિ?