Get The App

ઉ. ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ, બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યું, 11 ઈંચ વરસાદ ખાબક્યો

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
heavy rain in Ahmedabad file photo
Image: IANS

Gujarat Rain Update: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મન મૂકીને વરસ્યા બાદ હવે મેઘરાજા મંગળવારે (02 જૂલાઈ) ઉત્તર ગુજરાતમાં ઓળઘોળ થયા હતા. મંગળવારે 199 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠાના લાખણીમાં બે કલાકમાં સાડા 6 ઈંચ સહિત કુલ સૌથી વધુ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે (03 જૂલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

લાખણીમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ 

બનાસકાંઠાના ત્રણ તાલુકાને બાદ કરતા બાકીના 11 તાલુકામાં અડધા થી 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં કોઈ જાનહાની કે નુકશાન થવા પામ્યું નથી. જયારે લાખણીમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા હતા. સરહદી વાવ અને સૂઈગામમાં ત્રણ – ત્રણ, થરાદ અને દાંતીવાડામાં અઢી- અઢી, પાલનપુર ડીસા અને કાંકરેજમાં એક-એક ઇંચ ઉપરાંત વરસાદ પાડયો હતો. 

50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ 

આ ઉપરાંત અન્યત્ર મહેસાણા, બેચરાજી, નવસારીના ચીખલીમાં પણ ચાર ઈંચ સાથે ભારે વરસાદ નોંધાયો હતો. આ સિવાય કુલ 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો. 1 ઈંચથી વધુ વરસાદ પડયો હોય તેવા અડધોઅડધ તાલુકા ઉત્તર ગુજરાતના હતા. જ્યાં નોંધપાત્ર વરસાદ વરસ્યો તેમાં ડાંગના વઘઈ, નવસારીના વાંસદા, પાટણના સિદ્ધપુર, બનાસકાંઠાના થરાદ તાપીના દોલવણ, મહેસાણાના ઉંઝા, પાટણના ચાણસ્મા, સુરતના ઓલપાડ, નવસારી, ડાંગનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, મહુવાની માલણ, બુટીયો, બગડમાં ઘોડાપૂર આવતા નદીઓ બે કાંઠે વહી

આજે આ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા ગીર સોમનાથ, કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદનું પ્રભુત્વ રહેશે.

હળવદમાં બ્રહ્માણી નદી પરનો બેઠો પુલ ધોવાયો

હળવદ તાલુકામાં બ્રહ્માણી નદીમાં પુર આવતા ચાર ગામોને જોડતો બેઠો પુલ ધોવાઈ ગયો હતો. જેના કારણે ચાડધરા, રાયસંગપુર, નવા રાયસંગપુર અને મયુરનગર ગામના લોકો સંપર્ક વિહોણા બન ગયા છે. સદનસીબે દુર્ઘટના સમયે બેઠા પુલ પર સ્વર કોઈ અવર-જવર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. ગ્રામજનોના વર્ષથી જર્જરિત અગાઉ પણ વર્ષ 2006 અને વર્ષ 2018માં નદી પરને આ પુલ તૂટી ગયો હતો. આ ત્રીજી વખત તૂટ્યો છે. 

બ્રહ્માણી-2 ડેમના દરવાજા ખોલાયા હતા

બીજી તરફ ઉપરવાસમાં સારો વરસાદ થતા 4,397 ક્યુસેક પાણીની આવક થતા હળવદના સુસવાવ ગામ પાસે બ્રહ્માણી-2 ડેમના પાંચ દરવાજા 3 મીટર સુધી ખોલાયા હતા. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુસવાવ, ટીકર, મિયાણી, મયુર નગર, માનગઢ, ખોડ, કેદારિયા, ચાડધ્રા, અજિતગઢ, અને રાયસંગપુર સહીતના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદથી 3ના મોત

દક્ષિણ ગુજરાતમાં મંગળવારે 6.4 ઈચ સુધીનો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. નવસારીના ચીખલીમાં કાચા મકાનની દીવાલ તૂટી પડતાં આધેડ દંપતિનું મોત થયું હતું જ્યારે કામરેજમાં ખાડીમાં માછલી પકડવા ગયેલો આધેડ શ્રમજીવી ડૂબી ગયો હતો. ભારે વરસાદથી સુરત જિલ્લામાં 33, તાપીમાં 8 રસ્તા બંધ કરવામાં આવ્યા હતા.

ઉ. ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ, બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યું, 11 ઈંચ વરસાદ ખાબક્યો 2 - image

ઉ. ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ, બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યું, 11 ઈંચ વરસાદ ખાબક્યો 3 - image


Google NewsGoogle News