સાવલી મંજુસર જી.આઇ.ડી.સી.ની કેમિકલ કંપનીમાં ભીષણ આગ
નજીકમાં આવેલી અન્ય કંપનીઓ સુધી પણ આગ ફેલાઇ : રોડ સાંકડા હોઇ ફાયર બ્રિગેડને પહોંચવામાં તકલીફ પડી
સાવલી,સાવલી તાલુકા ના મંજુસર ખાતે આવેલ મારૃતિ કોર્પોરેશન પ્રા. લિ. કંપનીમાં આગ લાગતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.ચારથી વધુ ફાયર ફાઈટર આગ ઓલવવા કામે લાગ્યા હતા. ભારે જહેમત બાદ આગ બુઝવવામાં સફળતા મળી હતી.
જાણવા મળ્યા મુજબ સાવલીના મંજુસર ખાતે આવેલ મારૃતિ કંપની સલ્ફર કેમિકલનું ઉત્પાદન કરે છે. આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. અચાનક વિકરાળ આગના પગલે જી.આઇ.ડી.સી.માં નાસભાગ સર્જાઇ હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જેના પગલે મંજુસર ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી. પરંતુ આગે વધુ વિકરાળ સ્વરૃપ ધારણ કરતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી. ફાયર એન્જિન લઇને ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ કાબૂમાં લેવાના પ્રયાસો શરૃ કર્યા હતા. કંપનીની આજુબાજુ અન્ય કંપનીઓમાં પણ આગ ફેલાઇ હતી.કંપની સુધી પહોંચવાના રસ્તાઓ સાંકડા હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફને સ્થળ પર પહોંચવામાં અને આગ બુઝવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. લાશ્કરોને આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. આગ નું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, આ કંપનીમાં અગાઉ પણ આગ લાગી ચૂકી છે.
ઔદ્યોગિક એકમમાં ફાયર અને સેફ્ટીની સુવિધાનો અભાવ
સાવલી,મંજુસરની મારૃતિ કંપનીમાં આગની ઘટનાએ ફરી એકવાર આ વિસ્તારના ઔદ્યોગિક એકમો દ્વારા સેફટી અંગે રાખવામાં આવતી નિષ્કાળજી સામે આવી છે. ફાયર અને સેફટી સુવિધાનો અભાવ હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. આજના બનાવવામાં પણ ઇમર્જન્સી સેવાનો અભાવ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફને પાણીના સપ્લાય માટે ખાનગી કુવા અને ટયુબવેલ પર નિર્ભર રહેવાનો વારો આવ્યો હતો.