નવસારીમાં હાડ થીજાવતી ઠંડી : શિયાળાની શરૂઆતમાં જ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું
Navsari : ઉત્તર દિશામાંથી છેલ્લા પાંચ દિવસથી કોલ્ડ વેવ ફુંકાવા સાથે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનું મોજું ફરી વળ્યુ છે. નવસારીમાં આજે પ્રતિ કલાક 5.3 કિમીની ઝડપે હિમજેવા ઠંડા પવન ફૂંકાવા સાથે ઠંડીનો પારો સીધો 2.4 ડિગ્રી નીચે ગગડતા લઘુતમ 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ચાલુ શિયાળાની સીઝનનો બીજા ક્રમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.
રાજ્યના મોસમ વિભાગ દ્વારા ફૂલ ગુલાબી ઠંડી પડવાનું આગાહી કરવામાં આવી હતી. આ આગાહી વચ્ચે છેલ્લા પાંચ દિવસથી ઉત્તર દિશામાંથી શીતલહેર ફુંકાવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડીનું મોજું ફરી વળતાં જનજીવન ઠુઠવાયું છે. બે દિવસ આગાઉ ગત ગુરુવારે લઘુતમ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ચાલુ શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ત્યાર બાદ ગઈકાલે શુક્રવારે આશ્ચર્ય જનક રીતે લઘુતમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે ઉતર દિશામાંથી પ્રતિ કલાક 5.3 કિમીની ઝડપે કોલ્ડ વેવ ફુંકાવા સાથે ઠંડીનો પારો સીધો 2.4 ડિગ્રી નીચે ગગડતા લઘુતમ 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ચાલુ શિયાળાની સીઝનનો બીજા ક્રમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. આ સાથે મહત્તમ 30 ડિગ્રી તાપમાન અને વાતાવરણમાં 66 ટકા જેટલા ભેજનું પ્રમાણ નોંધાયું હતું. જિલ્લામાં વ્હેલી સવારે અને રાત્રે કોલ્ડ વેવ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠંડીથી બચવા તાપણા કરતા નજરે પડી રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રેમીઓ વહેલી સવારે વ્યાયામ કરવામાં વ્યસ્ત જોવા મળે છે. ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ બાદ શિયાળામાં પણ ગાત્રો થિજાવતી ઠંડી પડવાનું લોકો અનુમાન શેવી રહ્યા છે.