Get The App

ગુજરાતમાં 8 દિવસથી હીટવેવ : હજુ 5 દિવસ જારી રહેવાની ચેતવણી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 8 દિવસથી હીટવેવ : હજુ 5 દિવસ જારી રહેવાની ચેતવણી 1 - image


અમદાવાદ, કંડલા એરપોર્ટ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 46 સે. : અમરેલી ૪૫, જુનાગઢ, રાજકોટ, ભૂજ, વલ્લભવિદ્યાનગર, ડીસા 44 સે. પાર થવા સાથે ગરમીનું મોજુ સૌથી લાંબો સમય રહેવાનો રેકોર્ડ સર્જશે

 રાજકોટ, : સત્તાવાર સૂત્રો અનુસાર ગુજરાતમાં લાગલગાટ તા. 15થી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તા. 16થી  એટલે કે 8 દિવસથી હીટવેવ જારી રહ્યો છે અને હજુ પણ કાળઝાળ તડકાંથી લોકોને હાલ મુક્તિ મળવાના એંધાણ નથી. આજે મૌસમ વિભાગે વધુ પાંચ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતની સાથે ગુજરાતમાં હીટવેવ જારી રહેવાની ચેતવણી ઉચ્ચારી છે. 

રાજ્યમાં સૌથી વધુ તાપમાન આજે કંડલા એરપોર્ટ ઉપર 46.1 સે. નોંધાયું હતું અને અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 46 સે.એ પહોંચી ગયું હતું. અમરેલીમાં ૪૫ સે તો જુનાગઢ, રાજકોટ, ભૂજ, વલ્લભવિદ્યાનગર, ડીસા સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ પારો 44 સે.ને પાર થયો હતો. 

આશ્ચર્યજનક રીતે આજે સુરતમાં સિવિયર હીટવેવ નોંધાયેલ છે જ્યાં તાપમાન 40 સે.નીચે હોય ત્યાં આજે 41.2 સે. નોંધાયેલ છે. દરિયાકાંઠા નજીક આવેલ હોવા છતાં ભાવનગરમાં 41 અને જિલ્લાના મહુવામાં તો તાપમાન 43 સે.ને પાર થયું હતું. મૌસમ વિભાગ અનુસાર આજે અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ ખાતે હીટવેવ એટલે કે નોર્મલી તાપમાન હોય તેના કરતા ઘણુ વધારે નોંધાયેલ છે. રાજ્યમાં પશ્ચિમનો એટલે કે દરિયા પરથી આવતો પવન અને ઉત્તર-પશ્ચિમનો પવન જારી રહ્યો છે. 

આવતીકાલે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, કચ્છ તથા અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, મહેસાણા, પાટણ, વલસાડ જિલ્લાઓમાં હીટવેવની પૂરી શક્યતા મૌસમ વિભાગે જણાવી છે. હીટવેવની સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 30થી 60 કિ.મી. સુધીનો તીવ્ર પવન પણ ફૂંકાઈ રહ્યો છે, ગત ચોવીસ કલાક દરમિયાન જામનગરમાં કલાકના 46 અને કચ્છમાં 44 કિ.મી.ની ઝડપ મૌસમ વિભાગમાં નોંધાઈ છે. 

એકધારા અસહ્ય તાપમાનથી બજારમાં બપોરના સમયે નીકળતા જ ધરતી ધગધગી ઉઠી હોય તેવી અકળામણ અનુભવાય છે જેના કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું, પ્રવાસ કરવાનું ટાળવા લાગ્યા છે અને મોટાભાગે ઘર-ઓફિસમાં એ.સી.પંખાની ઠંડક સાથે સમય વિતાવતા હોય છે. રાજકોટ જેવા મહાનગરમાં તો સાંજના ૬ વાગ્યે પણ લૂ વર્ષા થતી હોય તેવો અનુભવ થાય છે. 

ગરમીથી બચવા કમસેકમ આટલા ઉપાયો તો કરો જ

રાજકોટ, :  લોકોને ગરમીથી તબિયત ન બગડે તે માટે મૌસમ વિભાગ તથા તબીબી સૂત્રોએ  (1) દિવસે પુરતુ પાણી પીવા  (2) લીંબુ શરબત,લસ્સી કે છાશ વગેરે ઘરે બનાવીને પીવા  (3) તડકાંમાં જવાનું ટાળવા. (4) અનિવાર્યપણે બહાર જવાનું થાય ત્યારે આળસ કે કાંઈ ન થાય તેવી માન્યતા ત્યજીને માથે ટોપી,છત્રી વગેરે અચૂક રાખવા. (5)કપડાં સુતરાઉ, હલકાં અને ખુલતા પહેરવા. ટાઈટ જીન્સ વગેરેથી ચર્મરોગનું પણ જોખમ રહે છે.



Google NewsGoogle News