સુરતના સરથાણા નેચર પાર્કમાં રાત્રીની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા
Surat Nature Park : સુરતમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો માહોલ શરુ થયો છે. જેના કારણે પાલિકાના સરથાણા નેચર પાર્કમાં રાત્રીની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે ત્યારે પક્ષીઓના પીંજરામાં લેમ્પ અને હરણ રહે છે ત્યાં તાપણું કરવામાં આવશે.
પાલિકાના શ્યામાપ્રસાદ મુખર્જી ઝુઓલોજીકલ ગાર્ડનમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ થાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં વહેલી સવારે અને સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આખો દિવસ ઠંડા પવનના સુસવાટા ફૂંકાય રહ્યા છે, એવામાં જનજીવન સાથે વન્યજીવનને પણ અસર પહોંચતી હોય છે, પ્રાણી સંગ્રહાલયના ડો.રાજેશ પટેલ કહે છે. સિંહ, વાઘ, દીપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઈટ શેલ્ટરની બહાર હીટર મુકવામાં આવ્યા છે. જોકે, હજુ ઠંડી ઓછી છે તેથી વધુ જરૂર હીટરની પડી નથી પરંતુ આગામી દિવસોમાં આ પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે હીટરનો ઉપયોગ કરવામાં આવશે.