દુઃખદ- 'ટોમેટો ફ્લુ' બીમારી, સરકારની તૈયારીઓથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતે જ અજાણ!
- હાલ કેરળમાં તેના કેસની સંખ્યા સૌથી વધારે છે અને 82થી પણ વધારે બાળકોને તેનો ચેપ લાગી ચુક્યો છે
અમદાવાદ, તા. 09 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર
વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રીની ગંભીર બેદરકારીની એક ઘટના સામે આવી છે. કોરોના, ઓમીક્રોન, મંકીપોક્સ, બર્ડ ફ્લુ બાદ હવે ગુજરાત સહિત દેશભરમાં ટોમેટો ફ્લુ નામની બીમારી કહેર વર્તાવી રહી છે. પરંતુ નવાઈની વાત એ છે કે, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ નવી ટોમેટો ફ્લુ નામની બીમારીથી જ અજાણ છે.
ઋષિકેશ પટેલને ટોમેટો ફ્લુ અંગે અને તેના દ્વારા રાજ્ય સરકાર દ્વારા શું તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તે અંગે સવાલ કરવામાં આવતા તેઓ વિચારમાં પડી ગયા હતા અને જવાબ નહોતા આપી શક્યા. ટોમેટો ફ્લુ અંગે કોઈ પણ પ્રકારની માહિતી ન હોવાથી તેમણે પાસે રહેલા અન્ય તબીબોને તે અંગે વિગતો પુછી હતી.
ટોમેટો ફ્લુએ દેશભરમાં કહેર વર્તાવ્યો છે અને તે મોટા ભાગે નાના બાળકોને લપેટમાં લઈ રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી આ બીમારી અંગેની માહિતીથી અજાણ હોય તે ચોંકાવનારી બાબત કહી શકાય.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારોને ટોમેટો ફ્લુ માટે તકેદારી રાખવા સૂચના આપેલી છે.
આ બીમારીમાં ચેપગ્રસ્ત બાળકના શરીર પર લાલ ફોડલા દેખાય છે. હાલ કેરળમાં તેના કેસની સંખ્યા સૌથી વધારે છે અને 82થી પણ વધારે બાળકોને તેનો ચેપ લાગી ચુક્યો છે.
આ પણ વાંચોઃ કોરોના, ઓમીક્રોન, મંકી પોક્સ, બર્ડ-ફ્લુ પછી ટોમેટો ફ્લુ દુનિયામાં ફેલાઈ રહ્યો છે